સુરેન્દ્રનગર જિલ્લાના થાના વિસ્તાર પાસે આવેલ ધોળેશ્વર રેલવે ફાટક પાસે આજે સવારે એક અનોખી ઘટના બની હતી. સરકારી મગફળીના જથ્થા લઈને જતો એક ટ્રક અચાનક બેરિકેટ સાથે અથડાઈ જતા મોટો અકસ્માત સર્જાયો હતો.
અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની બોરીઓ રસ્તા પર વિખેરાઈ ગઈ હતી. થોડી જ મિનિટોમાં ત્યાંથી પસાર થતા લોકો, સ્થાનિક રહિશો, મહિલાઓ તેમજ વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠા થયા અને રસ્તા પર પડેલી બોરીઓ ઉઠાવવા લાગી ગયા. ઘટનાસ્થળ પર જાણે મગફળીની લૂંટ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
- શરૂઆતમાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ટ્રક થાના સરકારના ગોડાઉનમાંથી મગફળીના જથ્થાને ગોંડલ તરફ લઈ જઈ રહ્યું હતું. પરંતુ રેલવે ફાટક નજીક ડ્રાઇવર બેરિકેટને યોગ્ય રીતે જોઈ શક્યો નહોતો. પરિણામે ટ્રક સીધો બેરિકેટ સાથે અથડાઈ ગયો અને તેની પાછળ ભરેલી મગફળીની બોરીઓ રસ્તા પર ફાટી પડી ગઈ.
બોરીઓ ફાટી જતાં મગફળી આખી સડક પર પથરાઈ ગઈ હતી. ત્યાંથી પસાર થતાં કેટલાક લોકોએ શરૂઆતમાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી જ વારમાં અનેક લોકો મગફળી એકત્ર કરવા માટે રસ્તા પર દોડી આવ્યા. ઘણા લોકોએ બોરીઓને પોતાના વાહનમાં ભરી લેવાનું શરૂ કરી દીધું. આ સમગ્ર ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે,
જેમાં લોકો બોરીઓ ઉપાડતા, હસતા અને પોતાની ગાડીઓમાં મગફળી ભરતા જોવા મળે છે. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે મગફળી ખેડૂતો માટે સોનું સમાન પાક છે, તેથી લોકોમાં લાલચ ઉભી થઈ અને કોઈએ પણ વિચાર્યું નહીં કે આ સરકારી માલ છે.
- બોરીઓને એકત્ર કરવાની કામગીરી હાથ ધરી
અકસ્માત પછી સ્થળ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘણા કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જાણ થતાં જ થાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટ્રાફિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે ટ્રકને સાઇડમાં હટાવી અને મગફળીની બોરીઓને એકત્ર કરવાની કામગીરી હાથ ધરી. થોડા સમય પછી રસ્તા પરથી વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તારણ મુજબ, ડ્રાઇવર બેરિકેટને સમયસર જોઈ શક્યો નહોતો, કદાચ દૃશ્યતા ઓછી હોવાથી અથવા તાકીદમાં વાહન ચલાવતાં આ ઘટના બની હશે. પોલીસ ડ્રાઇવર સામે લાપરવાહીનો ગુનો નોંધવાનો વિચાર કરી રહી છે.



Leave a Comment