ગુજરાતના મુખ્ય શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત વધી રહ્યો છે અને અનેક શહેરોમાં એ 200ની ઉપર પહોંચતા ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ છે, જે શ્વાસ અને હૃદય સંબંધિત બીમારીઓ માટે જોખમકારક માનવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી AQIનું લેવલ અનહેલ્ધી ઝોનમાં સતત નોંધાઈ રહ્યું છે.
- અમદાવાદ: AQI 240 સાથે સતત ‘સિવિયર’ પરિસ્થિતિ
શિયાળાની શરૂઆત સાથે જ અમદાવાદમાં વાયુ પ્રદૂષણનો સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. 21 નવેમ્બરની સવારે શહેરમાં AQI 240 નોંધાયો, જે હવાની ગુણવત્તાને અત્યંત ખરાબ શ્રેણીમાં લઈ જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ દિવાળી બાદથી અમદાવાદમાં 200થી ઉપરના AQIનો ટ્રેન્ડ બંધ થતો નથી. નવેમ્બર 2025માં તો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાતા રેકોર્ડ તૂટ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુ દરમિયાન હવામાં ભેજ વધુ હોય છે, જેના કારણે પ્રદૂષક કણો જમીન નજીક ફસાઈ જાય છે અને AQIમાં વધારો થાય છે. મેડિસિન વિશેષજ્ઞ ડૉ. સહલ શાહ કહે છે કે વાહન ધુમાડો, કન્સ્ટ્રક્શન સાઇટની ધૂળ, ઔદ્યોગિક ઉત્સર્જન અને પર્યાવરણમાં થતા કુદરતી પરિવર્તનો આ સ્થિતિ માટે જવાબદાર છે.
- વડોદરા: AQI સતત 170 પાર, 21 નવેમ્બરે 220 સુધી પહોંચ્યો
વડોદરામાં પણ હવાની ગુણવત્તા છેલ્લા અઠવાડિયામાં સતત ખરાબ થઈ રહી છે. શહેરમાં દરરોજ AQI 170થી વધુ નોંધાઈ રહ્યો છે. 21 નવેમ્બરે AQI 220 સુધી પહોંચતા નાગરિકોમાં ચિંતા વધી છે. પ્રદૂષણના વધારા વચ્ચે શ્વાસની બીમારી, એલર્જી, ખાંસી, આંખોમાં ચભચભાટ જેવા લક્ષણોમાં વધારો થઈ રહ્યો છે.
- સુરત અને રાજકોટ: પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
સુરતમાં AQI અમદાવાદ અને વડોદરાની સરખામણીમાં થોડો ઓછો છે, છતાં 21 નવેમ્બરે સવારે 206 સુધી પહોંચ્યો હતો. રાજકોટમાં પણ AQI 150થી ઉપર જ રહ્યો છે અને 21 નવેમ્બરે 204 સુધી પહોંચતા છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળાની ઋતુ દરમિયાન એન્ટીસાયક્લોનિક વાતાવરણ અને હવામાં અટકી જતી ધૂળ AQI વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
- ડોક્ટરોની ચેતવણી: N95 માસ્ક ફરજિયાત, બહાર નીકળવાનું ટાળો
ડૉ. સહલ શાહ પ્રમાણે, AQI 150થી વધે ત્યારે બાળકો, વૃધ્ધો, ગર્ભવતી મહિલાઓ અને અસ્થમા કે શ્વાસના દર્દીઓએ બહાર જવું ટાળવું જોઈએ. સામાન્ય કોટન માસ્ક PM2.5 કણોને અટકાવવામાં નિષ્ફળ રહે છે, તેથી N95 માસ્ક ફરજિયાત છે.
- તેઓ નાગરિકોને દરરોજ AQI ચેક કરવાની સલાહ આપે છે
– AQI 0-100: સારી
– AQI 101-200: સાધારણ
– AQI 201-300: ખરાબ
– AQI 301-400: ખૂબ ખરાબ
– AQI 401-500: અત્યંત ખરાબ અને જોખમી



Leave a Comment