અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રીક્ષામાં નાસી રહી હતી.અચાનક રીક્ષા ઉભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
નાનાં ચિલોડા તરફથી બિયરનો જથ્થો લઈને આવતી હતી બે મહિલા
નરોડા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, નાનાં ચિલોડા તરફથી બે મહિલાઓ રિક્ષામાં બિયરનો જથ્થો લઈને છારાનગર જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રીક્ષાને પકડવા માટે પીછો શરૂ કર્યો હતો. પોલીસને પાછળ આવતી જોઈને મહિલાઓએ શરૂઆતમાં ઝડપથી રિક્ષા દોડાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેઓ પોલીસની પકડમાંથી છટકી શકે.
સરદારનગરની હદમાં મહિલાઓએ પોલીસની સામે જ બોટલો ફેંકી
સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓએ રોડ પર અચાનક રિક્ષા ઊભી રાખીને તેમની પાસે રહેલા બિયરના થેલા બહાર ફેંકવાનું શરૂ કરી દીધું. આ મહિલાઓએ પોલીસની હાજરીમાં જ રોડ પર બિયરની બોટલો ફેંકીને તોડી નાખી હતી. અચાનક બિયરની બોટલો તૂટવાનો અવાજ અને ઘટના જોઈને રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
વાયરલ વીડિયોમાં પોલીસને ગાળો આપતા દ્રશ્યો
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મહિલાઓ પોલીસથી બચવા માટે બિયરની બોટલો ફેંકતી સ્પષ્ટપણે દેખાય છે. વીડિયોમાં મહિલાઓ રોડ પર બોટલો ફેંકવાની સાથે-સાથે પોલીસને બીભત્સ ગાળો પણ આપતી સંભળાય છે. જાહેર રોડ પર બિયરની બોટલો ફેંકવાના કારણે રોડ પર તૂટેલી બોટલોનો કાચ અને બિયરનો જથ્થો ફેલાઈ ગયો હતો.



Leave a Comment