નવસારી જિલ્લાના બીલીમોરામાં ફિલ્મ ‘વશ’ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શર્મા પરિવારમાં મોડી રાત્રે એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેનાં બે બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી છે.
- સસરા પર ગ્લાસથી હુમલો કરી કાન તોડવાનો પ્રયાસ
બંને બાળકોની હત્યા કર્યા બાદ આરોપી મહિલા સુનિતાએ તેના સસરા ઇન્દ્રપાલ શર્મા પર જીવલેણ હુમલો કર્યો હતો. તેણે ગ્લાસ વડે સસરા પર હુમલો કર્યો અને બચકું ભરીને તેમનો કાન તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઇન્દ્રપાલ શર્મા સમયસર ઘરમાંથી ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થતાં તેમનો જીવ બચી ગયો હતો.
- સપનામાં અવાજ સંભળાયા કે ‘તારાં બાળકોને મારી નાખ’
ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મુળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે 1:30 વાગ્યે એક મહિલાને સપનામાં અવાજ સંભળાયા કે ‘તારાં બાળકોને મારી નાખ’ જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેનાં બે બાળકનું ગળું દબાવી દીધું હતું.
- પોલીસ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી
સસરા ભાગી છૂટ્યા અને લોકો ભેગા થતાં સુનિતાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ રાત્રે 2:30 વાગ્યે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે આરોપી મહિલા બંને બાળકોની લાશ જોડે બેઠી હતી. પોલીસે તાત્કાલિક મહિલાની અટકાયત કરી અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યા હતા.
- ‘પિતૃમોક્ષ માટે આવું કરવા અવાજો સંભળાતા હતા’
DySPના જણાવ્યા મુજબ, આરોપી મહિલા સુનિતાએ પોલીસ સમક્ષ જે ખુલાસો કર્યો છે તે વધુ ચોંકાવનારો છે. આરોપીએ જણાવ્યું કે, પિતૃમોક્ષ માટે તેણે આ કૃત્ય કર્યું છે. તેણે પોલીસને જણાવ્યું કે, ‘મને આવું કરવા અવાજો સંભળાતા હતા કે તું આવું કર’, એટલે મેં બાળકોને માર્યા છે.
- બાળકોની હત્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ
આરોપી મહિલાએ પોલીસને એવું પણ જણાવ્યું છે કે, બાળકોની હત્યા કર્યા બાદ તેણે પોતે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે આત્મહત્યા કરી શકી નહોતી. પોલીસ દ્વારા હાલ મહિલાની માનસિક સ્થિતિ અને તેના નિવેદનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
- પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસે ઇન્દ્રપાલ શર્માની ફરિયાદના આધારે આરોપી સુનિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અને અસામાન્ય કેસમાં પોલીસ તમામ પાસાંઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



Leave a Comment