વડોદરા જિલ્લામાં આવેલ પાદરાના સરસવણી ગામ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે પર બુધવારની સવારે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત બન્યો હતો.
હાઇવે પર નિયમિત રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરીમાં વ્યસ્ત પાંચ શ્રમિકો પર એક અનિયંત્રિત કાર સીધી જ ઘૂસી જતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બે મજૂરોનું તરત જ મૃત્યુ થયું, જ્યારે ત્રણ કામદારોને ઈજા થઈ છે.
- અકસ્માત કેવી રીતે બન્યો?
પ્રાથમિક માહિતી મુજબ સવારે લગભગ 9 વાગ્યાના સમયગાળામાં પાંચ શ્રમિકો હાઇવેના એક ભાગ પર મેન્ટેનન્સ કામ કરી રહ્યા હતા. તેઓએ જરૂરી સેફ્ટી કિટ પહેરીને કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી એક કાર અચાનક અનિયંત્રિત થઈ ગઈ.
ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી સીધી કામમાં લાગેલા મજૂરો પર ચડી ગઈ. ટક્કરથી બે મજૂરો, દિલીપ દહિયા અને મનોજ કુમારને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે. અન્ય ત્રણ મજૂરોને પણ ઈજા થઈ છે.



Leave a Comment