રાજકોટ જિલ્લાના જેતપુર-પોરબંદર હાઈવે પર ગુંદાળા ગામની નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. એસટી બસ અચાનક પુલની રેલિંગ તોડી ખાબકી જતા 17 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, બસનો ડ્રાઈવર અચાનક ચક્કર આવવાથી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેઠો, જેના કારણે બસ પલ્ટી મારી ગઈ.
- ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અકસ્માત થતાં જ સ્થાનિક ગ્રામજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને તરત જ બહાર કાઢી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેમાંથી 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
- પોલીસ અને ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી
સ્થાનિક આરોગ્ય વિભાગે તાત્કાલિક તબીબી ટીમોને એલર્ટ કરી દીધી હતી, જ્યારે પોલીસ અને ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. હાઈવે પર થયેલા આ અકસ્માતને કારણે ટ્રાફિક થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો, બાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
- ડ્રાઈવરને ચક્કર આવવાથી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બસની ગતિ વધુ હોવાની અને ડ્રાઈવરને અચાનક ચક્કર આવવાથી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં બસને ક્રેનની મદદથી હટાવવાની કામગીરી ચાલુ છે અને પોલીસે અકસ્માતના કારણોની વધુ તપાસ શરૂ કરી છે.



Leave a Comment