Breaking News Rajkot : રાજકોટ શહેરમાં ફરી એક વાર અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે, જે માણસાઈને શરમાવે તેવી છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીકના વિસ્તારમાં એક પરિવારે પોતાની માન્યતાઓના આધાર પર માંડવાનું આયોજન કર્યું હતું, જેમાં નિર્દોષ પશુઓના જીવ જોખમમાં મુકાયા હતા.
- દીકરાની તબિયત ન સુધરતાં પિતાએ બાધા રાખી
પરિવારના દીકરાની તબિયત લાંબા સમયથી ન સુધરતા તેના પિતાએ બાધા રાખીને પશુબલિ આપવાનું નક્કી કર્યું. આ પરંપરાને નામે કુલ 16 પશુઓની બલિ ચઢાવવાની તૈયારી હતી. તેમાંથી 6 બકરાનું બલિદાન થઇ ચૂક્યું હતું.
સમયસર મળી આવેલી માહિતીના આધારે જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પોલીસે સંયુક્ત દરોડો પાડી આ અનૈતિક કૃત્ય રોકવાનો પ્રયાસ કર્યો. દરોડા દરમિયાન 9 પશુઓને બલિથી બચાવવામાં આવ્યા હતા.
- મહિલાએ આખી હકીકત સ્વીકારી
પોલીસ પહોંચતા ઘટનાસ્થળે હાજર મોટા ભાગના પુરુષો ભાગી છૂટ્યા હતા, જ્યારે મહિલાઓ ત્યાં જ રહી ગઈ. માંડવામાં હાજર એક મહિલાએ સ્વીકાર્યું કે પરિવાર વર્ષોથી ચાલતી પરંપરા મુજબ બલિ આપતો આવ્યો છે.
તેણે જણાવ્યું કે દીકરાની બીમારીને કારણે તેના પતિએ માનતા રાખી પશુબલિ આપવા નક્કી કર્યું હતું.
- ફરાર આરોપીઓની શોધ શરૂ
પોલીસે ઘટનાને લઈને ગુનો નોંધ્યો છે અને ફરાર થયેલા આરોપીઓની શોધ શરૂ કરી છે. સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે તપાસને ગતિ આપવામાં આવી છે.
બચાવાયેલા તમામ પશુઓને તાત્કાલિક સારવાર માટે પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની યોગ્ય રીતે સંભાળ કરવામાં આવી રહી છે.



Leave a Comment