રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલી 33 વર્ષીય સ્નેહાબેન આસોડિયાની નૃશંસ હત્યાનો ભેદ પોલીસે માત્ર એક જ દિવસમાં ઉકેલી નાખ્યો છે. રવિવારે સવારે કોપર ગ્રીન સોસાયટી નજીક અવાવરું સ્થળેથી તેમનો માથું છૂંદાયેલો અને તીક્ષ્ણ હથિયારના ઘા સાથેનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસે ગૃહકલેશને હત્યાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું અને શંકાના દાયરમાં આવેલા પતિ હિતેશ આસોડિયાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. હિતેશે શરૂઆતમાં સ્નેહાબેન પાણીપુરી ખાવા ગઈ હોવાનું પરિવારને કહ્યું હતું, પરંતુ આ કહાની પોલીસને શંકાસ્પદ લાગી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવામાં મુજબ, કડક પૂછપરછ દરમ્યાન હિતેશ આખરે ભાંગી પડ્યો હતો અને પોતાની પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હતી.
તપાસમાં સામે આવ્યું કે, પત્ની સ્નેહાબેન અત્યંત શંકાશીલ સ્વભાવની હોવાથી પતિ હિતેશ દિવસભર તેના ફોન અને વીડિયો કોલથી પરેશાન રહેતો હતો. ઉપરાંત, બે વર્ષના બાળકને સાચવવામાં પત્નીનો ઉદાસીન વલણ પણ ઝઘડાનું મુખ્ય કારણ બન્યું હતું.
શુક્રવારે સાંજે થયેલા ઝઘડાના અનુસંધાને હિતેશે પત્નીને જમવા જવાના બહાને ઘરે બોલાવી હતી. તેણે અગાઉથી લોખંડનો સળિયો લઇ રાખ્યો હતો અને ‘વિધિ’ કરાવવાના નામે પત્નીના દાગીના ઉતરાવી લીધા હતા. બાદમાં સ્કૂટીમાં લોખંડનો સળિયો છુપાવી સ્નેહાબેનને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં વોશરૂમના બહાને ઉભો રહી પત્નીના માથે સળિયાથી ઘાતકી હુમલો કર્યો હતો. સ્નેહાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
હત્યા કર્યા બાદ હિતેશે પત્ની ગુમ થઈ હોવાનો નાટક રમ્યો હતો, પરંતુ પોલીસને તેના સ્કૂટી તથા કપડાં પરથી લોહીના ડાઘા મળી આવતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપી હિતેશ આસોડિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.



Leave a Comment