રાજકોટમાં યુવાનોમાં હાર્ટ સંબંધિત કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે રવિવારે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. કલાવડ રોડ વિસ્તારમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થી આદિત્ય આકાશભાઈ વાછાણીનું વોલીબોલ રમતી વખતે અચાનક ઢળી પડવાથી મોત થયું હતું. પ્રાથમિક તબીબી અનુમાન મુજબ, હૃદયના ધબકારા અચાનક બંધ થતાં આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ આદિત્ય ‘સેલેનિયમ હેરિટેજ’ (ક્રિસ્ટલ મોલ પાછળ) ખાતે રહેતો હતો અને આકાશવાણી ચોક નજીક આવેલી એસએનકે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રજા હોવાથી તે પોતાના મિત્રો સાથે સ્કૂલના મેદાનમાં વોલીબોલ રમવા ગયો હતો. રમત દરમિયાન આદિત્ય અચાનક અસ્વસ્થ અનુભવવા લાગ્યો અને પળવારમાં જ બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો.
આકસ્મિક ઘટના પછી મિત્રો અને સ્કૂલ સ્ટાફે તરત જ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ–2 પોલીસ સ્ટેશનના સ્ટાફે હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.



Leave a Comment