નવાગામની શક્તિ સોસાયટી, શેરી નંબર 6માં રહેતી 28 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે પુત્રીઓ 8 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષની હર્ષિતાને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં આ આખી ઘટના બની હતી. અસ્મિતાબેનનો પતિ રાત્રે ઘરે પરત ફર્યો ત્યારે દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો. શક થતાં તેણે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્રણેયના મૃતદેહો જોયા બાદ તરત જ પોલીસે જાણ કરી હતી. થોડા જ સમયમાં બી-ડિવિઝન પોલીસ સહિત ઝોન–1ના DCP અને ACP સ્થળ પર પહોંચી ગયા હતા.
- પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા બાદ આપઘાતની પુષ્ટિ
પોલીસે સ્થળની તપાસ અને પ્રાથમિક મેળવી શકાતી માહિતીના આધારે અનુમાન લગાવ્યું છે કે અસ્મિતાબેને પ્રથમ બંને દીકરીઓની હત્યા કરી અને ત્યારબાદ આપઘાત કર્યો હતો. ઘટનાના સમયે ઘરમાં પતિ, સસરા અથવા અન્ય કોઈ સભ્ય હાજર ન હતા. પરિવાર રિક્ષા અને છકડો રિક્ષા ચલાવી જીવનનિર્વાહ કરે છે.
- સંતાનમાં પુત્ર ન થવાને કારણે વારંવાર નિરાશાનું વર્તન
હાલ સુધીમાં કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ મળી આવી નથી. આથી આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તેના મૂળ કારણ અંગે પોલીસને હજી કોઈ પાકી માહિતી મળી નથી. તેમ છતાં, પતિએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે પત્ની છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી અને સંતાનમાં પુત્ર ન થવાને કારણે વારંવાર નિરાશાનું વર્તન કરતી હતી.
તે જ મુદ્દો આ કૃત્ય પાછળનું કારણ હોઈ શકે તેવી પતિની ધારણા છે. જો કે, પોલીસ કહે છે કે આ માત્ર એક દિશા છે, હકીકતમાં પાછળ બીજું કોઈ તણાવ, કુટુંબની પરિસ્થિતિ કે અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પણ તપાસ વિસ્તૃત કરવામાં આવશે.
- પિયર પક્ષની પૂછપરછ અને ફોરેન્સિક તપાસ આગળ વધશે
અસ્મિતાબેનના પિયર પક્ષના સભ્યોની પણ પોલીસ પૂછપરછ કરશે જેથી પરિવારની અંદરની પરિસ્થિતિ વિશે વધુ સ્પષ્ટ માહિતી મળી શકે. મોડી રાત્રે પોલીસે સ્થળની જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
ફોરેન્સિક નિષ્ણાતો અને તબીબોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને વિશ્લેષણના અંતિમ અહેવાલના આધારે પોલીસ આગળની કાનૂની કાર્યવાહી અને તપાસની દિશા નક્કી કરશે. રાજકોટના શાંત વિસ્તારમાં બનેલી આ ઘટના સ્થાનિક રહેવાસીઓને પણ હચમચાવી મૂકે તેવી છે. પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.



Leave a Comment