Shocking incident Amreli: અમરેલી જિલ્લાના અરજણસુખ ગામમાં માનવતાને શરમાવે તેવી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં કુટુંબી વિવાદના કારણે એક યુવક પર અત્યંત ક્રૂર રીતે હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલો એટલો ભયાનક હતો કે યુવકના બંને પગ શરીરથી કપાઈને અલગ થઈ ગયા હતા. ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
- અરજણસુખ ગામે ભીખા રાઠોડના ઘરે આવ્યો
પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલના રહેવાસી દીનેશ સોલંકી નામનો યુવક પોતાના કામકાજને લઈને અરજણસુખ ગામે ભીખા રાઠોડના ઘરે આવ્યો હતો. એ સમયે ત્યાં કુટુંબીજનો વચ્ચે કોઈ જૂનો વિવાદ ઉગ્ર બનતા તેના પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો.
સ્થાનિક સૂત્રો અનુસાર, આ હુમલામાં સાપર સુડાવડ ગામના દીનેશ સોલંકીના બે સાળા સહિત આશરે 12 જેટલા લોકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
- યુવક લોહીલુહાણ હાલતમાં અચેત પડ્યો
હુમલાખોરોએ દીનેશ પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો વિકરાળ હતો કે બંને પગ શરીરથી કાપાઈને અલગ થઈ ગયા હતા. આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે યુવક લોહીલુહાણ હાલતમાં અચેત પડ્યો હતો. તરત જ તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો,
પરંતુ ગંભીર ઇજાઓને કારણે ડોક્ટરોએ તેને બચાવી શક્યા ન હતા. ઘટનાની ક્રૂરતા એટલી હદે પહોંચી હતી કે યુવકના શરીરથી કપાઈને અલગ થયેલા બંને પગને પોલીસે કોથળામાં ભરીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને લોકોએ આ દૃશ્ય જોઈને પણ ચોંકી ગયા હતા.
- કુહાડી વડે નિર્દયતાથી ઘા કર્યા
આ બનાવની જાણ થતાં જ Dy.SP ચીરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો અમરેલી સિવિલ હોસ્પિટલ અને બાદમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર બનાવની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો કુટુંબી વિવાદ અથવા અંગત અદાવતના કારણે થયો હોવાનું મનાઈ રહ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરોએ દીનેશ સોલંકીને પહેલા બોલાવી લીધો અને પછી કુહાડી વડે નિર્દયતાથી ઘા કર્યા હતા. હુમલાખોરોએ હુમલાની કોઈ તક ન છોડતાં દીનેશને જીવતા કાપવાનો પ્રયાસ કર્યો હતો.
હાલ પોલીસે 12 શંકાસ્પદ લોકો સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની ધરપકડ માટે તીવ્ર ચક્રગતિએ શોધખોળ શરૂ કરી છે.



Leave a Comment