સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી ગુનાખોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. રાજ્યભરમાં ક્રાઇમ રેટ ઉંચો જઈ રહ્યો છે, પરંતુ સુરતમાં તો જાણે હત્યા અને હુમલાના બનાવો સામાન્ય બની ચૂક્યા હોય તેમ પરિસ્થિતિ દેખાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના જુદા–જુદા વિસ્તારમાં ત્રણ હત્યાના બનાવો સામે આવતા સુરત પોલીસની કાર્યક્ષમતા અંગે ફરી પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. આ જ ક્રમમાં પુણા વિસ્તારમાં થયેલી એક નાની બાબતના ઝગડામાં યુવકની કરૂણ હત્યા થતાં વિસ્તારમાં ભય અને અશાંતિનો માહોલ પેદા થયો છે.
- શું છે ઘટના?
માહિતી પ્રમાણે પુણા વિસ્તારમાં લાલુ યાદવ નામનો યુવક, જે મૂળ બિહારનો રહેવાસી છે, તેની વિકી નામના શખ્સ સાથે પૈસાની લેવડ-દેવડને લઈને તણાવ સર્જાયો હતો. પ્રથમ તો બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, પરંતુ ધીમે ધીમે ઝગડો ઉગ્ર બની ગયો. ગુસ્સામાં આવી ગયેલા વિકીએ પોતાના કાબૂ બહાર જઈ નજીકમાં પડેલી ટાઇલ્સનો સહારો લીધો હતો. તેણે લાલુ યાદવના માથાના ભાગે ટાઇલ્સના ઘા માર્યા હતા. ગંભીર ઈજા થતાં લાલુ યાદવનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
- પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ પુણા પોલીસ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકનું શરીર વધુ તપાસ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલ્યું હતું. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેથી મોતના ચોક્કસ કારણોનું નિરૂપણ થઈ શકે. આ હુમલા પછી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. હત્યાના ગુનામાં મુખ્ય આરોપી તરીકે વિકી સામે ગુનો નોંધાયો છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.



Leave a Comment