સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન સહિતના વિસ્તારોમાં હત્યા જેવા 17 જેટલા ગંભીર ગુનાઓ આચરીને આતંક મચાવનાર માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 15 દિવસથી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં પોતાની પત્નીના પિયરના ઘરે છુપાયેલો હતો.
- સવારના 3 વાગ્યે ઓપરેશન ‘લસ્સી’નો પ્રારંભ
સુરત ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમને સલમાન લસ્સી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ૨૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમે ૬ નવેમ્બરની સવારે ૩ વાગ્યે નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં હાઇ-સ્પીડ ઓપરેશન શરૂ કર્યું હતું.
- ધરપકડથી બચવા PI સોઢા પર ચપ્પુથી હુમલો
પોલીસે આરોપીના છુપાયેલા સ્થળનો ઘેરો મજબૂત બનાવ્યો ત્યારે સલમાન લસ્સીએ ધરપકડથી બચવા માટે પ્રતિકાર કર્યો હતો. તેણે ક્રાઇમ બ્રાંચના બંને પીઆઇને ચપ્પુ બતાવ્યું હતું અને તે દરમિયાન પીઆઇ પી. કે. સોઢા પર ચપ્પુ મારવાનો પ્રયાસ કરી ભાગવાની કોશિશ કરી હતી.
- સ્વબચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ
સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં પીઆઇ પી. કે. સોઢાએ તાત્કાલિક સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ચલાવી હતી. ગોળી તેના પગના હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી. ગોળીના અવાજથી ડાભેલ વિસ્તારમાં લોકો ફફડી ઉઠ્યા હતા.
- ઘાયલ આરોપીની ધરપકડ, હોસ્પિટલમાં રડતો જોવા મળ્યો
ગોળી વાગ્યા બાદ સલમાન લસ્સીનો હુમલો નિષ્ફળ ગયો હતો અને ક્રાઇમ બ્રાંચની ટીમે તેની ધરપકડ કરી હતી. ગોળીબારની ઘટના બાદ તાત્કાલિક FSL, સુરત ક્રાઇમ બ્રાંચ અને નવસારી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કુખ્યાત ગણાતો સલમાન લસ્સી હોસ્પિટલમાં પોક મૂકીને રડતો નજરે પડ્યો હતો.
- પોલીસ છાવણીમાં ફેરવાયો ડાભેલ વિસ્તાર
આ ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર ડાભેલ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાંચના આ હિંમતભર્યા ઓપરેશનથી સુરત અને નવસારી પોલીસ બેડામાં સલમાન લસ્સીના આતંકનો અંત આવ્યો છે.



Leave a Comment