સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે આજ રોજ બનેલી એક ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી દીધી છે. આઝાદ ચોક ખાતે ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસે કાર રોકવાની કોશિશ કરતા કાર ચાલકે અચાનક નાશી છૂટવાનો પ્રયાસ કર્યો અને આ હિટ એન્ડ રનની ઘટનાએ અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું છે તથા દસ જેટલા લોકોને ઇજા પણ પહોંચી છે.
- શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, થાનગઢ પોલીસ સ્ટાફ સાથે PI અને DYSP હાજર રહીને આઝાદ ચોક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન બ્લેક ફીલ્મ લગાવેલી ગાડીઓ તેમજ કાગળ વગરના વાહનોની તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન, એક કાર ચાલક બ્લેક ફીલ્મ વાળી કાર લઈને સ્થળ પરથી પસાર થતો હતો. પોલીસે નિયમ મુજબ કારને રોકવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ, કાર ચાલકે પોલીસને અવગણીને નાશી છૂટવાનો પ્રયાસ કર્યો.
- 10 જેટલા લોકોને ઈજા
ટ્રાફિકથી ભરેલા આઝાદ ચોક વિસ્તારમાં કાર અતિઝડપે દોડાવતા ચાલકે રસ્તા પર ઉભેલા લોકો અને અન્ય વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી એક યુવકને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક થાનગઢ અને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે ખસેડાયા હતા.



Leave a Comment