ગીર–સોમનાથ જિલ્લામાં આવેલા કોડીનાર તાલુકામાં એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રમાં ભારે ચર્ચા ફેલાય ગઈ છે. ચૂંટણી સંબંધિત ફરજો અને સતત વધતા ભારણના કારણે એક શિક્ષકે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.
- માનસિક તણાવના કારણે જીવન ટૂંકાવ્યું
છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દેવળી ગામના રહેવાસી શિક્ષક અરવિંદભાઈ વાઢેરે માનસિક તણાવના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળેથી મળેલી સ્યુસાઈડ નોટમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, SIR સંબંધિત કામના દબાણથી તેઓ ભારે ચિંતામાં હતા.
- સ્યુસાઈડ નોટમાં કામના દબાણની ખુલ્લી કબૂલાત
માહિતી મુજબ, અરવિંદભાઈ વાઢેર વર્ષ 2010થી શિક્ષક તરીકે સેવા આપતા હતા. છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોને BLO તરીકે મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે, જેના હેઠળ તેમને મતદાર યાદીની તપાસ તથા સુધારણા જેવી કામગીરી કરવી પડે છે. નોટમાં તેમણે લખ્યું છે કે, સતત દબાણ, ટાર્ગેટ્સ અને શૈક્ષણિક કાર્યની સાથે ચૂંટણીની ફરજો વચ્ચે સંતુલન બેસાડવામાં મુશ્કેલી પડતી હોવાથી તેઓ તણાવમાં હતા.
- શિક્ષણ વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
આ ઘટનાએ સરકારે શિક્ષકો પર મૂકેલા બિન-શૈક્ષણિક કામના ભારણ અંગે ગંભીર ચર્ચા ઉભી કરી છે. હાલની સ્થિતિ એવી છે કે શાળાઓમાં શિક્ષણ કાર્ય માટે ઓછો સમય મળી રહ્યો છે, કારણ કે શિક્ષકો ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત રહે છે. ‘બાળકો શિક્ષકોને શાળામાં શોધે છે, શિક્ષકો મતદાતાઓને શોધે છે અને મતદારો પોતાનું નામ યાદીમાં શોધે છે’, કઇંક આ હાલત શિક્ષણ જગતમાં હાલ જોવા મળી રહી છે.
- ત્રણ દિવસમાં બીજી દુઃખદ ઘટના
રાજ્યમાં ત્રણ દિવસના અંતરે શિક્ષકોના મોતની આ બીજી ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલાં જ કપડવંજ વિસ્તારમાં BLO ફરજ બજાવતા શિક્ષક રમેશ પરમારનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. સતત આવી ઘટનાઓ શિક્ષકો પર વધતા દબાણની ગંભીરતા બતાવે છે.
- શિક્ષક સંઘમાં ભારે રોષ
અરવિંદભાઈની આત્મહત્યાની ઘટના બાદ રાજ્યના શિક્ષક સંઘોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. સંઘના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે BLO કામગીરીમાં શિક્ષકોને અતિશય ટાર્ગેટ આપવામાં આવે છે, જેના કારણે તેઓ માનસિક રીતે થાકી જાય છે.
સંઘનો દાવો છે કે, શિક્ષકોને ભણાવવા જેવી મૂળભૂત જવાબદારી છોડાવીને અન્ય કામોમાં જોડવામાં આવે છે, જેના કારણે આવા દુઃખદ પરિણામો સામે આવવા લાગ્યા છે.



Leave a Comment