ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 307 પશુઓમાં લમ્પી વાઈરસના કેસ નોંધાયા છે,
જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરી દીધું છે.
15 દિવસમાં 307 પશુઓને અસર
પશુપાલન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં કુલ 307 પશુઓ લમ્પી વાઈરસથી સંક્રમિત થયા છે. આ આંકડાઓ સૂચવે છે કે વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના પર અંકુશ મેળવવો અત્યંત જરૂરી છે.
લમ્પી વાઈરસના કેસ માત્ર એક કે બે જિલ્લા પૂરતા સીમિત નથી, પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાયા છે. તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી અને દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ આ વાઈરસના કેસ નોંધાયા છે.
આ જિલ્લાઓમાં પશુપાલકોને ખાસ સાવચેતી રાખવા અને તુરંત જ પશુઓને વેક્સિન અપાવવા માટે અપીલ કરવામાં આવી છે.
પશુપાલન વિભાગે યુદ્ધના ધોરણે વેક્સિનેશન શરૂ કર્યું
સ્થિતિની ગંભીરતાને જોતા, પશુપાલન વિભાગ સક્રિય થઈ ગયું છે. વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઢોરોને વેક્સિનેશન આપવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, પશુઓમાં રોગના લક્ષણો દેખાય તો તુરંત જ પશુચિકિત્સકનો સંપર્ક કરવા અને અન્ય પશુઓથી તેને અલગ રાખવા જેવી સલાહો પણ આપવામાં આવી રહી છે.
લમ્પી વાઈરસના લક્ષણો
પશુને તાવ આવે છે અને ચામડી પર ફોલા જેવી ગાંઠો ફેલાય છે. પશુઓ ખાવાનું બંધ કરી દે છે અથવા તો ઓછું ખાય છે. ચામડી પર ફોલા જેવી ગાંઠો ફેલાય છે. શરીરનું તાપમાન વધી જાય છે. રોગ પ્રતિકારકશકિત ઓછી થાય છે. પશુઓને આ રોગમાંથી મુકત થતા 2 થી 3 જેટલા અઠવાડિયા થાય છે. દૂધાળ પશુઓનું દૂધ ઉત્પાદન ખૂબ ઘટી જાય છે. જો યોગ્ય કાળજી અને સારવાર ન રાખવામાં આવે તો પશુઓ માટે લમ્પી વાઈરસ જીવલેણ બને છે.
આ બીમારીને રોકવાના ઉપાય
– જ્યાં પશુઓને રાખવામાં આવ્યા તે સ્થળને જંતુનાશક દવાઓ અને રસાયણોથી સેનિટાઈઝ કરવામાં આવે જેથી વાયરલ નષ્ટ થઈ જાય.
– સંક્રમિત પશુને સ્વસ્થ પશુઓથી અલગ રાખવા જોઈએ.
– તાત્કાલિક પશુઓના ડોક્ટરનો સંપર્ક કરીને પશુની સારવાર શરૂ કરવી જોઈએ.
– બીમારી વિશે રાજ્ય સરકારને માહિતી આપવી જોઈએ.
– સ્વસ્થ પશુઓને એલએસડી પોક્સ વેક્સિન કે ગોટ પોક્સ વેક્સિન લગાવવી જોઈએ.
– મૃત પશુના મૃતદેહનુ સાવધાનીપૂર્વક અંતિમ સંસ્કાર કરવુ જોઈએ કેમકે તેનાથી પણ બીમારી ફેલાવાનુ જોખમ રહેશે. શ્રેષ્ઠ એ રહેશે કે આવા મૃતદેહોને સળગાવી દેવામાં આવે.



Leave a Comment