ગાંધીનગર નજીકથી ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓ પૈકી હૈદરાબાદનો આતંકી ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ સાયનાઇડ કરતાં પણ ખતરનાક એવું ‘રાઇઝીન’ ઝેર બનાવવાની ફિરાકમાં હતો.
આ ખુલાસા બાદ ગુજરાત ATSની એક ટીમે હૈદરાબાદ સ્થિત તેના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ખતરનાક ઝેરી કેમિકલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રો મટીરીયલ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે, જે ATS દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- UP અને રાજસ્થાન ATSની ટીમો પણ તપાસમાં જોડાઈ
ત્રણ આતંકવાદીઓ ઝડપાતા આ કેસની ગંભીરતા વધી છે. ગુજરાત ATS દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા આતંકવાદીઓની વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશ (UP) અને રાજસ્થાન (Rajasthan) ATSની ટીમો પણ અમદાવાદ ખાતેની ગુજરાત ATSની કચેરીએ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાત લીધી હોવાથી, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
- નરોડા ફ્રુટ બજારની મુલાકાત પર શંકા
ATSની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકી ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને અમદાવાદના નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હતી. આ સંદર્ભમાં, તપાસ એજન્સી દ્વારા એ દિશામાં તપાસ ચાલી રહી છે કે કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ કે હથિયારો મોકલવાની હતી કે કેમ. આતંકી ડોક્ટર અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો.
- ડ્રોનથી હથિયારો મોકલાયાની આશંકા
હૈદરાબાદથી આવેલો ડો. મોહ્યુદ્દીન હથિયારો કલેક્ટ કરવા આવ્યો હતો. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ અને આઝાદ સુલેમાનને હનુમાન ગઢથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો હોવાથી, ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલાયા હતા.
- મોબાઇલ ડેટા રિકવરી બાદ મોટા રહસ્યો ખૂલશે
ATS દ્વારા ત્રણેય આતંકવાદીઓના મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં કટ્ટરવાદીઓનો પ્રભાવ હતો. મોબાઇલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય બહાર આવી શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરના આતંકવાદી સંગઠનો સાથેના તેમના જોડાણો અંગે પણ વધુ માહિતી મળી શકે છે.



Leave a Comment