ગુજરાતમાં ટ્રાફિક-પોલીસની સીધી ભરતીને લઈ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી, જેની પર આજે સુનાવણી યોજાઇ હતી.
એમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂર હોવાનું જણાવ્યું છે. આગામી સમયમાં આ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, જેની જાહેરાત બહાર પાડવામાં આવશે. 1315માંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે.
11 હજાર જગ્યા પોલીસમાં ભરાઈ
આગામી 15 વર્ષ માટે પોલીસની જગ્યાઓને લઈને થર્ડ પાર્ટી એક્સપર્ટ સલાહ લેવાઈ રહી છે. વર્તમાનમાં 11 હજાર જગ્યા પોલીસમાં ભરાઈ રહી છે, જોકે કોર્ટે કહ્યું હતું કે વર્તમાન સમયમાં રાજ્યમાં વસતિના હિસાબમાં પોલીસની જરૂરિયાત અંગે સ્પષ્ટતા નથી.
આ માટે એનાલિસિસ જરૂરી છે. ટ્રાફિક-પોલીસની કેટલી જરૂર છે? ભવિષ્યમાં કેટલી જરૂર પડશે ? આ સાથે જ કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા જણાવીને નવેમ્બર મહિનામાં સુનાવણી રાખી છે.
ગુજરાતમાં ટ્રાફિક-પોલીસ માટે કોઈ અલગ કેડર નથી
અગાઉની સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે હતું કે ટ્રાફિક-પોલીસની જગ્યા બિનહથિયારધારી પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવે છે. સીધી ભરતી અંતર્ગત જ ટ્રાફિક-પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.
વર્તમાન ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. ટ્રાફિક-પોલીસ માટે કોઈ અલગ કેડર નથી. આમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે,
જેથી રોટેશન કરીને ટ્રાફિક-પોલીસમાં પોલીસને તહેનાત કરવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે પોલીસકર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં રાખવામાં ના આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે.



Leave a Comment