સાવલી તાલુકાના લાંછનપુરા ગામ નજીક મહી નદીમાં ન્હાવા ગયેલા 21 વર્ષના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, ખાસ કરીને વડોદરાના ગોરવા વિસ્તારમાં, જ્યાં યુવકનું નિવાસ સ્થાન હતું.
- શું છે સમગ્ર બનાવ?
મૃતક યુવકની ઓળખ દિવ્ય રાકેશભાઈ ગુપ્તા તરીકે થઈ છે. 21 વર્ષનો દિવ્ય, ગોરવા વિસ્તારમાં રહેતો હતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. સાથે સાથે તે પાર્ટ-ટાઈમ ગ્રાફિક ડિઝાઇનર તરીકે પણ કામ કરતો હતો. માહિતી મુજબ, દિવ્ય 4 નવેમ્બરના રોજ સવારે કોમ્પ્યુટર ક્લાસ/સ્ટુડિયો જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.
બાદમાં તેણે માતાને ફોન કરીને જણાવ્યું કે, આજે ઓફિસનું કામ વધારે હોવાથી તે અને મિત્રો સ્ટુડિયોમાં જ રોકાશે, પરંતુ સાંજ સુધી દીકરો ઘરે ન પહોંચતાં પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ.
પરિવારજનોએ અનેક જગ્યાએ શોધખોળ શરૂ કરી, પરંતુ કોઈ અણસાર ન મળતાં રાત્રે ચિંતા વધુ વધતી ગઈ. પછી ખબર પડી કે દિવ્ય પોતાના મિત્રો સાથે મહી નદી પાસે ગયો હતો.
- નદીના પ્રવાહમાં તણાય જતાં મોત
નદીમાં ન્હાવા દરમિયાન અચાનક તે પાણીની ઊંડાઈમાં ફસાઈ ગયો હતો. મિત્રો અને સ્થાનિક લોકોએ તરત જ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દરમિયાન દિવ્ય નદીના પ્રવાહમાં તણાય ગયો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. કલાકોની મહેનત બાદ અંતે દિવ્યનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો.
- આકસ્મિક મોતના સમાચારથી વિસ્તાર શોકમગ્ન
આકસ્મિક મોતના સમાચાર મળતાં જ ગોરવા વિસ્તાર તેમજ આઈટીએમ યુનિવર્સિટીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દિવ્યના મિત્રો અને પાડોશીઓએ જણાવ્યું કે તે હંમેશાં હસતો, મદદરૂપ અને ઉત્સાહી સ્વભાવનો હતો. તેની અચાનક વિદાય સૌને શોકમગ્ન કરી ગઈ છે.



Leave a Comment