મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશકુમાર મેલાભાઈ રાવળનું રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું. નેટ કનેક્ટિવિટી અને એપ્લિકેશનની સમસ્યાને કારણે તેઓ રાત્રે જાગીને SIR ફોર્મની ઓનલાઈન કામગીરી કરતા હતા, તે દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો.
- રાત્રે 2 વાગ્યે SIR અપલોડ કામ દરમિયાન બેભાન
દિનેશ રાવળ 17 જાન્યુઆરી 2001 થી સુદાસણા કન્યાશાળામાં સેવા આપતા હતા અને હાલમાં બૂથ નંબર 38 પર BLO તરીકે નિયુક્ત હતા. છેલ્લા કેટલાક દિવસોથી SIR એપ્લિકેશન યોગ્ય રીતે કામ ન કરતી હોવાથી તેઓ દિવસ દરમિયાન કાર્ય પૂર્ણ કરી શકતા નહોતા. તેથી તેઓ રાત્રે ઉઠીને ઓનલાઈન અપલોડનું કામ કરતા હતા.
27 નવેમ્બરની રાત્રે પણ તેઓ લગભગ 2 વાગ્યે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો. પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક મિત્રોને બોલાવી મદદ લેવામાં આવી.
- ડોક્ટર ઉપલબ્ધ ન હતાં, સારવાર પહેલાં જ દમ તોડ્યો
દિનેશ રાવળને પહેલાં ગામના દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડોક્ટર હાજર નહોતા. ત્યારબાદ તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું માર્ગમાં જ કરુણ નિધન થયું. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
આ ઘટના બાદ ગામમાં, શિક્ષણ ક્ષેત્રમાં અને આખા વિસ્તરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
- BLO પર વધતા દબાણને લઈને ગંભીર સવાલો
મૃતક શિક્ષકના સહકર્મી ગોવિંદસિંહ બારડે જણાવ્યું કે BLO ફરજને કારણે શિક્ષકો પર ભારે દબાણ છે. નેટવર્કની સમસ્યા અને અયોગ્ય એપ્લિકેશનને કારણે શિક્ષકોને રાત્રે જાગીને કામ કરવાની ફરજ પડી રહી છે, જે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
- તંત્ર માટે ચિંતાનો મુદ્દો
આ દુઃખદ ઘટનાએ વહીવટી તંત્ર સમક્ષ મોટો પ્રશ્ન ઉભો કર્યો છે —
જ્યારે દિવસે નેટ અને એપ્લિકેશન કામ ન કરે, ત્યારે શિક્ષકોને રાત્રે જાગીને SIR જેવી જટિલ કામગીરી કેમ કરવી પડે?
BLOના કામના બોજ, ઑનલાઈન સિસ્ટમની ખામી અને શિક્ષકોની સુરક્ષા–સ્વાસ્થ્ય પર ફરી ચર્ચા શરૂ થઈ છે.


Leave a Comment