ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ફરી એકવાર પસંદગીકારોની નજરમાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ફિટનેસ અને ભવિષ્યને લઈને ચર્ચામાં રહેલા શમીના ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનને કારણે તેમની ટીમ ઈન્ડિયામાં વાપસીની શક્યતાઓ મજબૂત બની છે. ન્યૂઝીલેન્ડ સામેની આવનારી વનડે સિરીઝથી લઈને 2027 વનડે વર્લ્ડ કપ સુધી શમી ફરી ભારતીય યોજનાનો ભાગ બની શકે છે.
35 વર્ષીય મોહમ્મદ શમી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા છે. તેમણે માર્ચ 2025માં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારત માટે કોઈ મેચ રમી નથી. આ ટૂર્નામેન્ટમાં શમીે 9 વિકેટ ઝડપી ભારતના સંયુક્ત રીતે સૌથી સફળ બોલર રહ્યા હતા. તેમનો છેલ્લો વનડે પણ ન્યૂઝીલેન્ડ સામે જ રમાયો હતો, જ્યારે છેલ્લો ટેસ્ટ મેચ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં થયો હતો.
શમીની વાપસીની ચર્ચાનું મુખ્ય કારણ તેમનું ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છે. તેમણે પોતાના છેલ્લા છ ઘરેલુ મેચોમાં કુલ 17 વિકેટ લીધી છે, જેમાં વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચો સામેલ છે. આ ઉપરાંત, હાલ ચાલી રહેલી રણજી ટ્રોફી સિઝનમાં માત્ર ચાર મેચોમાં 20 વિકેટ લઈને તેમણે સાબિત કર્યું છે કે તેમની ધાર હજુ પણ યથાવત છે.
જો કે, શમીની વાપસીના માર્ગમાં સૌથી મોટો પ્રશ્ન તેમની ફિટનેસ છે. BCCI અને પસંદગી સમિતિ તેમના ફિટનેસ લેવલ પર સતત નજર રાખી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, શમીને પસંદગીની દોડમાંથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યા નથી અને યોગ્ય ફિટનેસ મળતાં તેઓ 11 જાન્યુઆરીથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં વાપસી કરી શકે છે.
શમીને અવગણવામાં આવતા હોવા પર ઘણા પૂર્વ ભારતીય ક્રિકેટરોએ પણ ખુલ્લેઆમ પ્રશ્નો ઉઠાવ્યા છે. મોહમ્મદ કેફે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા વરિષ્ઠ બોલરોને આરામ આપવામાં આવ્યો, ત્યારે પણ શમીને વનડે ટીમમાં તક કેમ આપવામાં આવી નહીં. ખાસ કરીને મોટા ટૂર્નામેન્ટોમાં શમીના સાબિત રેકોર્ડને જોતા તેમની ગેરહાજરી વધુ ખટકી હતી.
આ વર્ષે ઓસ્ટ્રેલિયાના વ્હાઇટ-બોલ પ્રવાસ માટે પસંદગી ન મળતાં શમીનો અસંતોષ પણ જાહેરમાં સામે આવ્યો હતો. તેમણે પસંદગી સમિતિ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જો તેઓ ઘરેલુ ક્રિકેટ રમી રહ્યા છે, તો પોતાની ફિટનેસની માહિતી પસંદગીકારોને આપતા રહેવું તેમની જવાબદારી નથી.
હાલ શમીનું પ્રદર્શન અને અનુભવ ભારતીય ઝડપી બોલિંગ વિભાગ માટે મૂલ્યવાન સાબિત થઈ શકે છે. જો ફિટનેસની અડચણ દૂર થાય, તો મોહમ્મદ શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી માત્ર ન્યૂઝીલેન્ડ સિરીઝ સુધી સીમિત નહીં રહે, પરંતુ 2027 વનડે વર્લ્ડ કપ સુધીની લાંબા ગાળાની યોજનાનો પણ મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.


Leave a Comment