Mohammed Siraj ‘ICC પ્લેયર ઓફ ધ મંથ’ બન્યો, જાણો એવોર્ડ જીત્યા બાદ બોલરે શું કહ્યું

ભારતીય ટીમના ટેસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા ઓગસ્ટ 2025 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સિરાજને ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.
એવોર્ડ જીત્યા બાદ સિરાજનું નિવેદન
સિરાજે એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદગી પામવી એ મારા માટે ખાસ સન્માનની વાત છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી એક યાદગાર સિરીઝ હતી. ઈંગ્લેન્ડમાં તેમની મજબૂત બેટિંગ સામે બોલિંગ કરવી પડકારજનક હતી, પરંતુ તેનાથી મને મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી.’
ઓવલ ટેસ્ટ મેચ જીતવામાં સિરાજે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી અને પાંચમી ઓવલ ટેસ્ટ મેચમાં કુલ નવ વિકેટ ખેરવી હતી. ખાસ કરીને છેલ્લા દિવસે તેણે ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને ઈંગ્લેન્ડને માત્ર છ રનથી હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે, ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી જાળવી રાખી હતી.
ઇંગ્લેન્ડ પ્રવાસ પર સિરાજનું પ્રદર્શન
સિરાજ ભારત તરફથી ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચેય ટેસ્ટ રમનાર એકમાત્ર બોલર હતો. તેણે પાંચ ટેસ્ટમાં સૌથી વધુ 23 વિકેટ લીધી હતી. તેણે સૌથી વધુ 185.3 ઓવર પણ ફેંકી હતી અને કુલ 1113 બોલ ફેંક્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે બે વાર ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડમાં તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 70 રનમાં છ વિકેટ હતી.