Navaratri : AMC દ્વારા ‘સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા 2025’નું આયોજન, એક લાખના ઈનામની જાહેરાત

અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વર્ષે સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ સ્પર્ધા 2025 યોજવામાં આવી રહી છે. નવરાત્રિના દિવસોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો ફરજિયાત રહેશે.
સ્પર્ધા રહેણાંક વિસ્તાર તથા સામૂહિક ગરબા એમ બે કેટેગરીમાં યોજાશે અને બંને કેટેગરીમાં ત્રણ વિજેતાને રોકડ ઇનામ આપવામાં આવશે, જેની મહત્તમ રકમ એક લાખ રૂપિયા સુધી રહેશે.
કેવી રીતે ભાગ લઈ શકાશે?
સ્પર્ધામાં ભાગ લેવા માટે સંબંધિત વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. દરેક સોસાયટી કે આયોજક સંસ્થા એક નોડલ વ્યક્તિને નિમશે,
જે કોર્પોરેશન સાથે સંકલન કરશે. સોસાયટીઓ, ફ્લેટ, હાઇરાઈઝ, પોળ, શેરી કે ગામતળ વિસ્તાર સહિત તમામ એકમો તથા પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ કે ખુલ્લા મેદાનમાં આયોજિત ગરબાની ટીમો સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ઝીરો વેસ્ટ થીમ પર આયોજિત ગરબાને વિશેષ પ્રાધાન્ય મળશે.
માપદંડો નક્કી કરાયા
– ગરબાના સ્થળે ભીના-સૂકા કચરાની છટણી માટે લીલા અને વાદળી ડસ્ટબિન રાખવા ફરજિયાત.
– કચરાનું સંકલન કોર્પોરેશનના વાહનને સમયસર સોંપવું પડશે.
– જાહેર સ્થળ કે રસ્તા પર કચરો નાંખવો નહિ.
– રિસાયકલ મટીરીયલમાંથી બનાવેલ ડ્રેસ કોડ અને ડેકોરેશનને વધારાના માર્ક મળશે.
– ફૂડ કોર્ટ કે સ્ટોલ પરથી ઉત્પન્ન કચરાના નિકાલ માટે માત્ર માન્ય એજન્સી સાથે કરાર કરવો ફરજિયાત.
– ફૂલ-પાંદડા, ખેસ-ચૂંદડી અને સૂકા કચરાની અલગ-અલગ છટણી કરવી આવશ્યક.
પુરસ્કાર વિતરણની વિગતો
રહેણાંક સોસાયટીઓ માટે:
ઝોન કક્ષાએ: પ્રથમ ઇનામ ₹31,000 | દ્વિતીય ₹21,000 | તૃતીય ₹11,000
શહેર કક્ષાએ: પ્રથમ ઇનામ ₹51,000 | દ્વિતીય ₹31,000 | તૃતીય ₹21,000
સામૂહિક ગરબા આયોજકો માટે:
ઝોન કક્ષાએ: પ્રથમ ઇનામ ₹51,000 | દ્વિતીય ₹31,000 | તૃતીય ₹21,000
શહેર કક્ષાએ: પ્રથમ ઇનામ ₹1,00,000 | દ્વિતીય ₹71,000 | તૃતીય ₹51,000
કોર્પોરેશનના જણાવ્યા મુજબ, સ્પર્ધાના વિજેતાઓને ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતા હેઠળની સમિતિ દ્વારા મૂલ્યાંકન બાદ પસંદ કરવામાં આવશે.