Nepal Gen Z protests : નેપાળમાં ‘Gen-Z રિવોલ્યુશન’ ઉગ્ર: પોલીસ કાર્યવાહીમાં 20ના મોત, ગૃહમંત્રીએ આપ્યું રાજીનામું

નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે શરૂ થયેલું “Gen-Z રિવોલ્યુશન” હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. સોમવાર (8મી સપ્ટેમ્બર)ના હિંસક પ્રદર્શનો દરમિયાન પોલીસ કાર્યવાહીથી 20 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વધતી જનક્ષોભની વચ્ચે ગૃહમંત્રી રમેશ લેખકે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે, જે રાજકીય તંગદિલીને વધુ ગાઢ બનાવે છે.
સંસદ ભવન આસપાસ સખ્ત નિયંત્રણો
કાઠમંડુમાં હાલની પરિસ્થિતિ હજી પણ તંગ છે. મંગળવાર (9મી સપ્ટેમ્બર) સવારથી સંસદ ભવનની બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કર્ફ્યુનો અમલ શહેરના અનેક મહત્વના વિસ્તારોમાં યથાવત છે, ખાસ કરીને રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન નિવાસ, સિંહ દરબાર અને સંસદ ભવન આસપાસ સખ્ત નિયંત્રણો છે.
સરકાર તરફથી કર્ફ્યુમાં થોડો શિથિલ અભિગમ અપાયો હોવા છતાં તણાવ ઘટ્યો નથી. આ દરમિયાન IT મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી છે કે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અને ધીમે ધીમે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
સરકાર ભંગ કરવાની ખુલ્લેઆમ માંગ કરી
પરિસ્થિતિ વધુ તંગ ત્યારે બની ગઈ જ્યારે નેપાળ સેનાના નિવૃત્ત કર્નલ માધવ સુંદર ખડગાએ રાષ્ટ્રપતિ પાસે સરકાર ભંગ કરવાની ખુલ્લેઆમ માંગ કરી. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાયેલા છે.
કર્નલના જણાવ્યા અનુસાર, પ્રદર્શનમાં જોડાયેલા તેમના પુત્રનો સંપર્ક તૂટી ગયો છે, જેને પગલે તેમણે સરકાર અને સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા છે.