Netflix : કપિલ શર્માનો શો કાનૂની વિવાદમાં ફસાયો, નેટફ્લિક્સને મળી લીગલ નોટિસ, જાણો શું છે મામલો

કોમેડિયન-એક્ટર કપિલ શર્મા હાલમાં તેના શો “ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો” માટે ચર્ચામાં છે. આ શોની હાલમાં ત્રીજી સિઝન ચાલી રહી છે જેમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ મહેમાન તરીકે આવી ચૂકયા છે.
જોકે, તેનો શો કાનૂની વિવાદમાં ફસાઈ ગયો છે. ફેમસ સેલિબ્રિટી વકીલ સના રઈસે નિર્માતા ફિરોઝ નડિયાદવાલા વતી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને કાનૂની નોટિસ મોકલી છે.
શોમાં કીકૂ શારદા ‘બાબુરાવ’ની ભૂમિકામાં નજર આવ્યો હતો
હાલમાં જ ‘ધ કપિલ શર્મા શો’નો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે અભિનેતા અક્ષય કુમાર તેની ફિલ્મ ‘Jolly LLB 3’ના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યો હતો. આ શોમાં કીકૂ શારદા ‘બાબુરાવ’ની ભૂમિકામાં નજર આવ્યો હતો.
કીકૂ ‘બાબુરાવ’ના લૂકની કોપી જ નહીં પણ સાથે બાબુરાવનો ફેમસ ડાયલોગ પણ બોલતો નજર આવે છે. હવે કીકૂ શારદાએ ‘બાબુરાવ’ની કરેલી કોપીના કારણે નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ નેટફ્લિક્સને નોટિસ ફટકારી છે.
ફિરોઝ નડિયાદવાલાની મંજૂરી લીધા વગર ‘હેરાફેરી’નું પાત્ર બાબુરાવ દર્શાવવાનો આરોપ
‘ધ કપિલ શર્મા શો’ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિરોઝ નડિયાદવાલાની મંજૂરી લીધા વગર તેમની ફિલ્મ ‘હેરાફેરી’નું જાણીતું પાત્ર બાબુરાવને દર્શાવવામાં આવ્યું છે. આ માત્ર કાયદાનો ભંગ જ નથી,
પરંતુ વ્યાપારી રીતે કરવામાં આવેલી ચોરી પણ છે. વકીલ સના રઈસે નોટિસમાં લખ્યું છે કે, ‘બૌદ્ધિક સંપત્તિ કોઈ સામાન્ય વસ્તુ નથી. તે ક્રિએટિવિટીની આત્મા છે. મારા ક્લાયંટની ફિલ્મના આઈકોનિક પાત્રનો વગર મંજૂરીએ ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદો આવા અધિકારીઓની નબળાઈને સહન કરશે નહીં, જે કાયદાની રીતે પ્રાપ્ત કરવામાં આવી નથી.’