મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય માલ્યા બાગચીની બેન્ચ સમક્ષ વોટ્સએપે સ્પષ્ટ કર્યું હતું કે તે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) ના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરશે. આ માટે કંપની રાષ્ટ્રીય કંપની કાયદા અપીલ ટ્રિબ્યુનલ (NCLAT) ના આદેશો અનુસાર સંમતિ-આધારિત માળખું લાગુ કરવા જઈ રહી છે.
આ નવા માળખા હેઠળ, હવે યુઝર્સ પાસે એ નક્કી કરવાનો કાનૂની અધિકાર રહેશે કે તેમનો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર કરવો જોઈએ કે નહીં. કંપનીએ આ અંગેનું સત્તાવાર સોગંદનામું પણ કોર્ટમાં રજૂ કર્યું છે.
16 માર્ચ સુધીની સમયમર્યાદા અને કાનૂની સ્થિતિ
વોટ્સએપે કોર્ટમાં જણાવ્યું હતું કે:
તે 16 માર્ચ સુધીમાં NCLAT ના તમામ નિર્દેશોનું પાલન કરી દેશે.
આ પાલન અંગેનો વિગતવાર અહેવાલ CCI ને સુપરત કરવામાં આવશે.
કંપનીએ NCLATના નિર્ણય પર વચગાળાનો સ્ટે માંગતી તેની અરજી હાલમાં પાછી ખેંચી લીધી છે.
મેટા અને વોટ્સએપે NCLATના મૂળ નિર્ણયને પડકારતી મુખ્ય અરજી પાછી ખેંચી નથી, જે હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે, NCLATએ અગાઉ CCI દ્વારા મેટા પર લાદવામાં આવેલા ₹213.14 કરોડના દંડને યથાવત રાખ્યો હતો, જેની સામે કંપનીએ અપીલ કરી છે.
શું છે આખો વિવાદ?
WhatsApp અને તેની પેરેન્ટ કંપની Metaના ડેટા શેરિંગ અંગે ભારતની સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો 2021માં WhatsAppની પ્રાઈવસી પોલિસી સાથે સંબંધિત છે, જ્યારે કંપનીએ યુઝર્સ ડેટા શેર કરવા માટેના તેના નિયમોમાં ફેરફાર કર્યા હતા. CCIએ આ મુદ્દા પર ₹213.14 કરોડનો દંડ ફટકાર્યો હતો, જેને WhatsApp અને Meta પડકારી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે ઘણા દિવસો સુધી આ કેસની સુનાવણી કરી છે. 3 ફેબ્રુઆરીની સુનાવણી દરમિયાન, કોર્ટે WhatsApp અને Meta બંનેને કડક ચેતવણી આપી હતી કે નાગરિકોની પ્રાઈવસી સાથે છેડછાડ સહન કરવામાં આવશે નહીં અને ડેટા શેરિંગના નામે તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં.
યુઝર્સ માટે આનાથી શું બદલાશે?
કોર્ટના આ નિર્દેશો બાદ ભારતીય વોટ્સએપ યુઝર્સને તેમના પર્સનલ ડેટા પર વધુ નિયંત્રણ મળશે. ડેટા શેરિંગના નિયમો વધુ કડક બનવાથી યુઝર્સની પ્રાઇવસી જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.


Leave a Comment