FASTag વપરાશકર્તાઓ માટે સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. અત્યાર સુધી FASTag ખરીદી અને એક્ટિવ કર્યા બાદ વાહનચાલકોને ‘તમારા વાહનને જાણો’ (KYV – Know Your Vehicle) પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત હતી. જેમાં વાહનનો ફોટો, RC બુક સહિતના દસ્તાવેજો ફરીથી અપલોડ કરવા પડતા હતા.
પરંતુ હવે 1 ફેબ્રુઆરી 2026થી કાર, જીપ અને વાન જેવા ખાનગી વાહનો માટે KYV પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.
હવે વેરિફિકેશનની જવાબદારી બેંકની
નવા નિયમ મુજબ, FASTag ઈશ્યુ કરતા પહેલાં વાહનની માહિતી VAHAN ડેટાબેઝ સાથે વેરિફાય કરવાની જવાબદારી હવે સીધી બેંકની રહેશે. એટલે કે, એકવાર FASTag એક્ટિવ થઈ જાય પછી ગ્રાહકને ફરીથી કોઈ ફોટો કે દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં.
KYC અને KYV વચ્ચેનો તફાવત
KYC (Know Your Customer): FASTag વોલેટમાં રકમ ઉમેરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ જેવી KYC પ્રક્રિયા હજુ પણ ફરજિયાત રહેશે.
KYV (Know Your Vehicle): જે પ્રક્રિયા હવે બંધ કરવામાં આવી છે. એટલે કે વાહનના ફોટા અને RCનું વેરિફિકેશન ગ્રાહકે કરવાનું રહેશે નહીં.
જૂના FASTag ધારકો માટે શું બદલાશે?
જેમની પાસે પહેલેથી FASTag છે, તેમને ફરીથી KYV કરાવવાની જરૂર નથી. સામાન્ય સંજોગોમાં તમારો જૂનો FASTag સંપૂર્ણપણે માન્ય રહેશે. માત્ર દુરુપયોગ અથવા ટેકનિકલ ખામી જેવા અપવાદરૂપ કિસ્સામાં જ રિ-વેરિફિકેશન થઈ શકે છે.
ટોલ પ્લાઝા પર શું ફાયદો થશે?
અગાઉ KYV અધૂરી હોવાને કારણે ઘણા FASTag બ્લેકલિસ્ટ થઈ જતા હતા, જેના કારણે ટોલ પ્લાઝા પર લાંબી કતારો અને વિવાદ ઊભા થતા હતા. નવા નિયમથી આ સમસ્યાનો અંત આવશે અને ટોલ પાર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે.


Leave a Comment