
સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં જ ગૃહમાં ઘમાસાણ થયું છે. ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે ચર્ચાની માંગ સાથે વિપક્ષે લોકસભામાં નારાબાજી કરી, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે ચર્ચા પ્રશ્નકાળ પછી નિયમો મુજબ જ થશે.
સરકાર ચર્ચા માટે તૈયાર
હંગામા વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકાર દરેક મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. સાથે સાથે, ગૃહના નેતા જે.પી. નડ્ડાએ કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ પર સરકાર કંઈ પણ છુપાવશે નહીં, અને બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં આ મુદ્દે ચર્ચા માટે સમય ફાળવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. નડ્ડાએ ઉમેર્યું કે આ ઓપરેશન બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તે સ્વતંત્રતા પછી ક્યારેય જોવાઈ નથી.
પહેલગામ હુમલાના આરોપી હજુ પકડાયા નથી-ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ આતંકી હુમલાને લઈને સરકાર પર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે 22 એપ્રિલે થયેલા હુમલાના આરોપી હજુ સુધી પકડાયા નથી અને સરકારે આ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી. ખડગેએ ગુપ્તચર એજન્સીની નિષ્ફળતાની પણ ચર્ચા કરી અને કહ્યું કે દેશની સુરક્ષા પર મોટું પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.
‘ઓપરેશન સિંદૂર’માં ભારતીય સેનાની દક્ષતા જોઈ દુનિયાએ – PM મોદી
સત્ર શરૂ પહેલા PM નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે દેશના અર્થતંત્ર માટે વરસાદ મહત્વપૂર્ણ છે અને સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા વિશ્વમાં ભારતની ક્ષમતા સાબિત કરી છે. PMના જણાવ્યા મુજબ ભારતીય સેનાએ માત્ર 22 મિનિટમાં લક્ષ્ય હાંસલ કર્યું અને સમગ્ર ઓપરેશનમાં 100% સફળતા પ્રાપ્ત કરી.
વિપક્ષની સરકારના જવાબોની માંગ
વિપક્ષે પહેલેથી જ સંકેત આપ્યા છે કે તેઓ આ સત્ર દરમિયાન ‘પહલગામ હુમલો’, ‘ઓપરેશન સિંદૂર’ અને બિહારમાં ચૂંટણી રજીસ્ટ્રેશન સંબંધિત મુદ્દે સરકારને ઘેરી રાખશે.
કોંગ્રેસ સહિત ઈન્ડિયા અલાયન્સ વડાપ્રધાન મોદીને વ્યક્તિગત રીતે જવાબ આપવાની માંગ કરી રહી છે. જો કે સંસદીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે સરકાર દરેક મુદ્દે યોગ્ય જવાબ આપશે.
કેન્દ્ર સરકાર આ સત્રમાં જે બિલ રજૂ કરશે:
– મણિપુર GST (સુધારા) બિલ, 2025
– જાહેર ટ્રસ્ટ (જોગવાઈમાં સુધારા) બિલ, 2025
– ભારતીય વ્યવસ્થાપન સંસ્થા (સુધારા) બિલ, 2025
– કરવેરા કાયદા સુધારા બિલ, 2025
– ભૌગોલિક વારસા સ્થળો (સંરક્ષણ) બિલ, 2025
– ખાણ વિકાસ અને નિયમન બિલ, 2025
– રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ, 2025
– રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ, 2025
જે બિલ લોકસભામાં પસાર થવાની અપેક્ષા છે:
– ગોવા માટે અનુસૂચિત જનજાતિ પ્રતિનિધિત્વ પુનર્ગઠન બિલ, 2024
– વેપારી શિપિંગ બિલ, 2024
– ભારતીય બંદરો બિલ, 2025
– આવક વેરા બિલ, 2025