GUJARAT

Padra: રજવાડી સ્ટેટનો અમૂલ્ય વારસો ધરાવતું પાદરાનું અંબાજી મંદિર

પાદરામાં આદ્યશક્તિની આરાધનાનું અત્યંત પ્રાચીન અને ઐતિહાસીક પવિત્ર સ્થળ શ્રી અંબાજીમાતાનું મંદિર પાદરા ગામમાં આવેલ મોટા તળાવના કિનારે આવેલ છે જે ઇતિહાસનો અમુલ્ય વારસો ધરાવે છે. જે માઈભક્તોની આરથાનું કેન્દ્ર છે. પાદરામાં બિરાજમાન માં જગદંબા સદાય પોતાની કૃપાદ્રષ્ટિ ભક્તો ઉપર રાખતા હોઈ દૂર-દૂરથી માઈભક્તો મનોકામનાઓ લઇ માંના દ્વારે આવી કૃપાપ્રસાદ પ્રાપ્ત કરે છે.

પાદરા નગરના ઇતિહાસમાં ઘણા પ્રાચીન મંદિરો જોવા મળે છે. જેમાં વિશેષ કરીને દેવી સ્થાનકો પૈકી શ્રી અંબાજીમાતાનું મંદિર હાલના પાદરા ગામની મધ્યમાં આવેલ પ્રાચીન ઇતિહાસ ધરાવતા દેવી સ્થાનકોમાંનું એક છે. હાલના નવા શિખરબંધી મંદિરની સ્થાપના પહેલા માતાજીની મૂર્તિ માન સરોવર તળાવ)ના કિનારે ઘેઘૂર વડલાઓની હારમાળા પૈકી એક વડલાની શિતળ છાયા નીચે એક નાની ડેરીમાં બિરાજીત હતી. લોકવાયકા મુજબ, માતાજીની આ મૂર્તિ હાલના નૂતન મંદિરની પાછળ આવેલ માન સરોવર (મોટા તળાવ)માંથી સ્વયંભુ પ્રગટ થયેલ હોવાની જાણવા મળે છે. માતાજીની મૂર્તિ સાથે માતાજીના દ્વારપાળ એવા શ્રી બટુક ભૈરવની મૂર્તિ પણ આ જ તળાવમાંથી સ્વયંભુ પ્રગટ થયેલ હોવાનું પણ જાણવા મળેલ છે.

માનસરોવર (તળાવ) તેમજ મંદિરની ઉત્તર દિશા તરફ્ તળાવનો ભાગ પુરાતનકાળમાં મોટું સરોવર હોવાનો સાતત્યનો પુરાવો આપે છે. મંદિરમાં માતાજીની મૂર્તિનું સ્વરૂપ અલૌકિક છે. માં મહિષાસુર મર્દિની ચતુર્ભુજ સ્વરૂપે મંદિરમાં બિરાજમાન છે. માતાજીની મૂર્તિ ઉગતા સૂરજની ઊષાની લાલિમા સમાન લાલ રંગની છે. માંના મુખ ઉપર હાસ્ય, જમણા હાથમાં ઉગામેલી તલવાર, બીજા હાથમાં ત્રિશૂળ જે મહિષાસુરનો વધ કરવા તેની પીઠમાં ભોંકાયેલ છે તેમજ ડાબા હાથમાં ઢાલ તેમજ મહિષાસુર રાક્ષસનું કપાયેલ મસ્તક છે. માતાજી પૂર્વાભીમુખ બીરાજમાન છે. માતાજીની દ્રષ્ટિ રાક્ષસ કે પાડા તરફ્ ન હોતાં સામેની તરફ્ છે. આમ માતાજીનું ઉગ્ર સ્વરૂપ હોવા છતાં માતાજીની દ્રષ્ટિ સૌમ્ય છે.

માતાજીની સાથે બિરાજમાન શ્રી બટુક ભૈરવે 64 ભૈરવ પૈકી માંના પ્રીય અને નિકટતમ ભૈરવ મનાય છે. શ્રી બટુક ભૈરવની મૂર્તિ શ્વાન ઉપર આરૂઢ થયેલ. હાથમાં શસ્ત્ર સહિતની છે. આમ શ્રી બટુક ભૈરવની મૂર્તિ સાત્વીક, રાજસીક તેમજ તામસીક ગુણોને પ્રદર્શિત કરતી મિશ્રા સ્વરૂપની છે. માતાજીની આરાધના સાથે શ્રી બટુક ભૈરવ સાધનાનું પણ અનેરુ મહત્વ રહેલું છે.

આમ આ મંદિરમાં માતાજીની અલૌકિક તેમજ દુર્લભ મૂર્તિ સાથે શ્રી બટુક ભૈરવની પણ અલૌકિક સ્વયંભુ મૂર્તિના દર્શન થાય છે. મંદિરની પશ્ચિમ દિશામાં તળાવની સામે પાળે કાળ ભૈરવ પણ પુરાતન કાળથી પ્રતિષ્ઠિત છે.

કૈ. મહારાજા મલ્હારરાવે ભેટ ધરેલ માતાજીને શ્રુંગાર

મંદિરના ઇતિહાસ સાથે બીજો એક પ્રસંગ પણ જોડાયેલ છે. સને-1872માં વડોદરા ગાયકવાડ સ્ટેટ હતું અને કૈ. મલ્હારરાવ ગાયકવાડ વડોદરાની રાજગાદી ઉપર બિરાજમાન હતાં. તે સમયે અંગ્રેજોએ કોઈ કારણોસર તેઓને બંદી બનાવી પાદરા ગામના ઝંડા બજાર વિસ્તારમાં આવેલ હાલની ઝંડા શાળામાં કેદ કરવા લઇ જતાં હતાં. તે સમયે તેઓ માતાજીની નાની ડેરી પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે રાજાએ જતાં-જતાં માતાજીને મસ્તક નમાવી મનોમન પ્રાર્થના કરેલ હતી કે, હે માં જો સાંજ સુધીમાં છુટી જઈશ તો તારું મંદિર બંધાવીશ અને તને હિરા-રત્નજડિત સુવર્ણ અલંકારો અર્પણ કરીશ. રાજા દ્વારા સાચા મનથી કરવામાં આવેલ પ્રાર્થના માંએ તુરત સ્વીકારી રાજાને બંધનમાંથી મુક્ત કરાવેલ હતાં. જેથી શ્રીમંત મહારાજા મલ્હારરાવ દ્વારા માતાજીને સુંદર સોનાના હિરા, મોતી, માણેક, હાથીદાંત જડિત શણગાર અર્પણ કરાયા હતાં. જે ઘરેણા આજે પણ માતાજીને દર વર્ષે નિયમીતપણે શારદીય (આસો) નવરાત્રીમાં પહેરાવવામાં આવે છે.

પ.પૂ. સાવલીવાળા સ્વામીજીના હસ્તે 1972માં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

સને-1972માં માતાજીના જુના મંદિરના સ્થાને નવું ભવ્ય શિખરબંધી મંદિર બનાવાયુ હતું. જેનું ખાતમુહૂર્ત સાવલીવાળા સ્વામીજીના શ્રી હસ્તે કરવામાં આવેલ હતું. વિખ્યાત સોમપુરા આર્કિટેક્ટ દ્વારા નવા મંદિરની ડિઝાઇન તૈયાર કરાવેલ હતી. હાલ મંદિરમાં માતાજીની સ્વયંભુ પ્રગટેલ મનોરમ્ય મૂર્તિ સફેદ આરસના ગજમુખ કોતરણીવાળા આસન ઉપર તેમજ ગર્ભગૃહની ડાબી બાજુએ શ્રી બટુક ભૈરવની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવેલ છે. માતાજીના આ મંદિરમાં ગર્ભગૃની બહાર જમણી બાજુએ ગણપતિ સાથે શ્રી મહાલક્ષ્મી અનેતથા ડાબી બાજુએ શ્રી મહાસરસ્વતી પણ સ્થાપીત થયેલા છે. આમ મંદિરમાં દેવીના સત્વ, રજસ અને તમસ એમ ત્રિગુણાત્મક સ્વરૂપના દર્શન થાય છે. મંદિર પરિસરમાં આદ્યશક્તિના નવદુર્ગા સ્વરૂપની મુર્તિ પણ પ્રસ્થાપિત કરાયેલ છે. આસો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન માટે વિશેષ ભીડ રહે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button