આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. પરંતુ આ દિવસોમાં પાન કાર્ડ સંબંધિત એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી 24 કલાકની અંદર PAN માહિતી અપડેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો ખાતું બંધ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે. ત્યારે આ મામલે પીઆઇબીએ એક સ્પષ્ટતા કરી છે અને આવી પોસ્ટને સંપૂર્ણ ફેક ગણાવી છે.
PAN વિગતો અપડેટ કરો, નહીં તો ખાતું બંધ…’
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોને લગતી એક નકલી પોસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી ઝડપથી વાયરલ થઈ રહી છે. આમાં ગ્રાહકોને 24 કલાકની અંદર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના તેમના ખાતા સાથે PAN સંબંધિત માહિતી અપડેટ કરવાની સૂચના આપવામાં આવી રહી છે અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો ગ્રાહકોના ખાતા બંધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જો તમે પણ આ પોસ્ટને જોઈને ડરી ન જતા. સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ એક ફેક પોસ્ટ છે. આવી કોઇ પોસ્ટ ઈન્ડિયા પોસ્ટ દ્વારા બનાવવામાં આવી નથી. PIBએ સ્પષ્ટપણે કહ્યું છે કે @IndiaPostOffice દ્વારા આવો કોઈ સંદેશ મોકલવામાં આવ્યો નથી.
ઈન્ડિયા પોસ્ટે કરી સ્પષ્ટતા
PIBએ સોશિયલ મીડિયા પર આ પાન કાર્ડ કૌભાંડ વિશેની માહિતી શેર કરી છે. તેમણે આવી પોસ્ટને નકલી હોવાનું જણાવ્યુ છે. તેઓએ ગ્રાહકોને સૂચના આપી છે કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતાધારકોએ સાવધાન રહેવુ. કારણ કે ઈન્ડિયા પોસ્ટ આવા કોઇ મેસેજ મોકલતુ નથી. ભવિષ્યમાં પણ આવા કોઇ મેસેજ નહી મોકલે. સાથે જ કહ્યું કે આવી પોસ્ટમાં જે લિંક આપેલી હોય છે તેમાં ક્લિક ન કરવુ જોઇએ નહી તો ગ્રાહકોને નુકસાન થઇ શકે છે.
લિંક પર ભૂલથી પણ ન કરતા ક્લિક
PAN કાર્ડ સંબંધિત આ કૌભાંડ વિશે વપરાશકર્તાઓને ચેતવણી આપવાની સાથે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ એ પણ સલાહ આપી છે કે લોકોએ આ સંદેશાઓમાં સમાવિષ્ટ કોઈપણ લિંક પર ક્લિક કરવાનું અથવા વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળવું જોઈએ. એકાઉન્ટ બંધ કરવા જેવી કોઈ કાર્યવાહી નહી થાય આ ફેક પોસ્ટ છે. ઈન્ડિયા પોસ્ટ ક્યારેય કોઈ આવા સંદેશ મોકલતુ નથી.
સાયબર ગુનેગારોના કારનામા
PIB આ અંગે પહેલાથી જ પાન કાર્ડ યુઝર અને ઈન્ડિયા પોસ્ટના ગ્રાહકોને ચેતવણી આપી ચૂક્યું છે અને હવે ફરી એકવાર આવી પોસ્ટ વાયરલ થવા પર ચેતવણી આપી છે. આમાં PIBએ ગ્રાહકોને તેમની અંગત વિગતો જેમ કે બેંક ખાતાની માહિતી અને પાન કાર્ડ કોઈની સાથે શેર ન કરવા જણાવ્યું છે. કારણ કે સાયબર ગુનેગારો વારંવાર આવા ફેક મેસેજ મોકલીને લોકોની અંગત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરે છે.