ChatGPT : વિશ્વની સૌથી લોકપ્રિય AI કંપની OpenAI અને તેના ચેટબોટ ChatGPTને અમેરિકાના સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગોન’ સાથે ભાગીદારી કરવી મોંઘી પડી છે. આ કરારને કારણે સોશિયલ મીડિયા પર કંપનીની ભારે ટીકા થઈ હતી, જેના પરિણામે લાખો યુઝર્સે ChatGPT એપ અનઇન્સ્ટોલ કરી દીધી છે. સ્થિતિ વણસતા OpenAIના CEO સેમ ઓલ્ટમેને જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી છે.
ChatGPTના અનઇન્સ્ટોલમાં 295%નો તોતિંગ વધારો
સેન્સર ટાવરના ડેટા અનુસાર, પેન્ટાગોન સાથેની ડીલના સમાચાર વાયુવેગે ફેલાતા જ યુઝર્સે OpenAI સામે વિરોધ નોંધાવ્યો હતો. 28 ફેબ્રુઆરીના રોજ ChatGPT એપ અનઇન્સ્ટોલ કરવાના દરમાં દરરોજના સરેરાશ કરતા 295 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, OpenAIની હરીફ કંપની ‘એન્થ્રોપિક’ (Anthropic) ને આ વિવાદનો સીધો ફાયદો થયો છે. એન્થ્રોપિકના ‘ક્લાઉડ’ (Claude) ચેટબોટના ડાઉનલોડમાં 51% નો વધારો થયો અને તે યુએસ એપલ એપ સ્ટોર પર પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
સેમ ઓલ્ટમેને ‘X’ પર વ્યક્ત કર્યો પસ્તાવો
ચોતરફથી ઘેરાયેલા સેમ ઓલ્ટમેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સ્વીકાર્યું કે પેન્ટાગોન સાથે ભાગીદારી કરવામાં તેમણે ઉતાવળ કરી હતી. તેમણે લખ્યું કે, “યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાથે ભાગીદારી કરવામાં અમારે થોડો વધુ સમય લેવો જોઈતો હતો. આ સમગ્ર પરિસ્થિતિ તકવાદી અને અસ્તવ્યસ્ત લાગી રહી છે.” ઓલ્ટમેને વધુમાં જણાવ્યું કે એન્થ્રોપિકનો કરાર પૂરો થતા જ OpenAIએ આ સોદો કર્યો હતો, જેનો હેતુ માત્ર AI ઉદ્યોગ અને સરકાર વચ્ચે તણાવ ઘટાડવાનો હતો.
કેટી પેરી સહિતના સેલિબ્રિટીઓનો વિરોધ
આ વિવાદમાં પોપ સ્ટાર કેટી પેરીએ પણ ઝંપલાવ્યું છે. તેણે ‘X’ પર એન્થ્રોપિકના ‘ક્લાઉડ’ એપનો સ્ક્રીનશોટ શેર કરીને હાર્ટ ઇમોજી મૂક્યું હતું. કેટી પેરીનું આ સમર્થન એન્થ્રોપિકના એ નિર્ણય તરફ હતું જેમાં કંપનીએ પેન્ટાગોનની કેટલીક વિવાદાસ્પદ માંગણીઓને ફગાવી દીધી હતી. સેલિબ્રિટીઓના આ વલણને કારણે OpenAI વિરુદ્ધ જનતાનો રોષ વધુ તેજ બન્યો છે.


Leave a Comment