PGVCL Officials : ‘ટાંગા-બાંગા તોડી નાખીશ’, વીજ ચોરી મુદ્દે સરપંચ અને PGVCL અધિકારીઓ વચ્ચે તણાવ

અમરેલી જિલ્લાના માવજીંજવાના ગામમાં વીજ ચોરીના મુદ્દે સરપંચ અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે ગંભીર તનાવ સર્જાયો છે. PGVCLના અધિકારીઓ ચેકિંગ માટે ગામે પહોંચ્યા ત્યારે સરપંચ મહેશભાઈ સભાળીયાએ તેમને રોકી ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
આક્ષેપ મુજબ, સરપંચે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી હતી કે – “અહીં તપાસ કરવા ન આવવું, નહિ તો ટાંગા-બાંગા તોડી નાખવામાં આવશે.” આ ઘટનાની પૃષ્ઠભૂમિએ PGVCLના નાયબ ઇજનેર દિગેશ દેસાઈએ ફરજમાં અવરોધ ઉભો કરવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અચાનક ચેકિંગ કરવા આવી પહોંચે છે
ઘટનાક્રમને લઈને ગામમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓનો આક્ષેપ છે કે સરપંચે તેમને ગામમાંથી જબરજસ્તી હાંકી કાઢ્યા. બીજી તરફ, સરપંચ મહેશભાઈ સભાળીયાનું કહેવું છે કે PGVCL ત્રણ-ત્રણ વર્ષથી પેન્ડિંગ અરજીઓ પર કોઈ પગલું ભરતું નથી.
ગામમાં સમારકામની સમસ્યાઓ ઉકેલાતી નથી, પરંતુ ખેતીની સીઝનમાં અચાનક ચેકિંગ કરવા આવી પહોંચે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મારી સામે ફરિયાદ થાય તો ચાલશે, પણ હું આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરીશ.