- પીએમ મોદીએ ત્રીજા કાર્યકાળની પ્રથમ પ્રગતિની 44મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી
- એક વૃક્ષ પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે: પીએમ મોદી
- આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 76,500 કરોડ રુપિયાથી વધુ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળની પ્રથમ પ્રગતિની 44મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં તેમણે 7 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી, જેમાં રોડ કનેક્ટિવિટી સંબંધિત બે પ્રોજેક્ટ, બે રેલ પ્રોજેક્ટ્સ અને કોલસા, પાવર અને જળ સંસાધન ક્ષેત્રોમાં પ્રત્યેક એક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 76,500 કરોડ રુપિયાથી વધુ છે. આ તમામ પ્રોજેક્ટ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત છે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ અને દિલ્હીનો સમાવેશ થાય છે.
પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે એક વૃક્ષ
બેઠકમાં વડા પ્રધાન મોદીએ આ વાત પર ભાર મૂક્યો હતો કે કેન્દ્ર કે રાજ્ય સ્તરે સરકારના દરેક અધિકારી સંવેદનશીલ હોવા જોઈએ. પ્રોજેક્ટમાં વિલંબ માત્ર ખર્ચમાં વધારો કરતું નથી પરંતુ લોકોને પ્રોજેક્ટના અપેક્ષિત લાભોથી પણ વંચિત રાખે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “એક પેડ મા કે નામ” અભિયાન પ્રોજેક્ટ ડેવલપમેન્ટ હાથ ધરતી વખતે પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.
પાણીની સમસ્યાઓનું નિરાકરણ કરશે આ પ્રોજેક્ટ
પ્રધાનમંત્રીએ AMRUT 2.0 અને જલ જીવન મિશન સંબંધિત જાહેર ફરિયાદોની પણ સમીક્ષા કરી. આ પ્રોજેક્ટ અન્ય બાબતોની સાથે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાણી એ મૂળભૂત માનવ જરૂરિયાત છે અને રાજ્ય સરકારો દ્વારા જિલ્લા સ્તરે તેમજ રાજ્ય સ્તરે ફરિયાદોનું ગુણવત્તાયુક્ત નિવારણ સુનિશ્ચિત કરવું જોઈએ. જલ જીવન પ્રોજેક્ટ્સનું પર્યાપ્ત સંચાલન અને જાળવણી પદ્ધતિ તેની સફળતા માટે મહત્વપૂર્ણ છે.
સચિવોને કામો પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખવાની આપી સલાહ
વડાપ્રધાન મોદીએ જ્યાં શક્ય હોય ત્યાં મહિલા સ્વ-સહાય જૂથોને સામેલ કરવા અને યુવાનોને ઓપરેશન અને જાળવણીના કામમાં કૌશલ્ય બનાવવાનું સૂચન કર્યું હતું. તેમને જિલ્લા સ્તરે જળ સંસાધન સર્વેક્ષણ હાથ ધરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો અને સ્ત્રોતની ટકાઉપણું પર ભાર મૂક્યો. વડાપ્રધાને મુખ્ય સચિવોને AMRUT 2.0 હેઠળના કામો પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખવાની સલાહ આપી હતી અને રાજ્યોને શહેરોની વૃદ્ધિની સંભાવના અને ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવા જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે શહેરો માટે પીવાના પાણીનું આયોજન કરતી વખતે ગ્રામીણ વિસ્તારોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ કારણ કે સમયની સાથે આ વિસ્તારો પણ શહેરી હદમાં સામેલ થઈ જાય છે. દેશમાં ઝડપી શહેરીકરણને જોતાં, શહેરી શાસનમાં સુધારા, વ્યાપક શહેરી આયોજન, શહેરી પરિવહન આયોજન અને મ્યુનિસિપલ ફાઈનાન્સ એ સમયની મહત્વપૂર્ણ જરૂરિયાતો છે. તેમણે કહ્યું કે શહેરોની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જેવી પહેલનો લાભ લેવાની જરૂર છે. વડાપ્રધાને એ પણ યાદ અપાવ્યું હતું કે મુખ્ય સચિવોની પરિષદમાં શહેરીકરણ અને પીવાના પાણીના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આપેલી પ્રતિબદ્ધતાઓની સમીક્ષા મુખ્ય સચિવોએ જાતે કરવી જોઈએ.
મિશન અમૃત સરોવર કાર્યક્રમ પર કામ ચાલુ રાખવા જણાવ્યું
પ્રધાનમંત્રીએ ભારત સરકારના મુખ્ય સચિવો અને સચિવોને મિશન અમૃત સરોવર કાર્યક્રમ પર કામ ચાલુ રાખવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમૃત સરોવરોના સ્ત્રાવ વિસ્તારને સ્વચ્છ રાખવા જોઈએ અને ગ્રામ્ય સમિતિની ભાગીદારીથી જરૂરિયાત મુજબ આ જળાશયોમાંથી ડિસિલ્ટિંગની કામગીરી કરવી જોઈએ. અત્યાર સુધી યોજાયેલી કુલ પ્રગતિ બેઠકોમાં 355 પ્રોજેક્ટ જેની કુલ કિંમત 18.12 લાખ કરોડની સમીક્ષા કરવામાં આવી છે.
Source link