મારું ગુજરાત

150મી જન્મજયંતિ પર PM મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી

રાષ્ટ્રીય એકતા દિવસ અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા (એકતા નગર) ખાતે ઉપસ્થિત રહ્યા. આ ઐતિહાસિક પ્રસંગે એકતા, શૌર્ય અને દેશભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ દેશભરમાં એકતા અને અખંડતાનો સંદેશ પ્રસરાવતા અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

  • અખંડ ભારતની રચના કરી

વડાપ્રધાન મોદીએ આજે પ્રવાસના બીજા દિવસે કેવડિયામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યૂ ઑફ યુનિટી”ના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, “સરદાર પટેલના યોગદાન વિના ભારતનું સ્વરૂપ પૂર્ણ ન ગણાય. તેમણે અખંડ ભારતની રચના કરી અને આજે તેમની પ્રતિમા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક બની છે.” વડાપ્રધાનની હાજરીમાં સમગ્ર કાર્યક્રમમાં એક વિશિષ્ટ ઉર્જા અને રાષ્ટ્રભાવના છલકાઈ રહી હતી.

  • દેશની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને એકતાનું પ્રતિકરૂપ

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભારતીય વાયુસેનાએ સરદાર પટેલને આકાશી સેલ્યુટ આપીને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે આકાશમાં વિમાનોના સંગઠિત ફ્લાયપાસ્ટથી સમગ્ર એકતા નગર ગૂંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા,

જેમાં દેશની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને એકતાનું પ્રતિકરૂપ દર્શાવવામાં આવ્યું હતું. NSD, NDRF, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, પૂંડચેરી અને ઉત્તરાખંડના ટેબ્લોમાં સ્થાનિક સંસ્કૃતિ, શૌર્ય અને વિકાસના દ્રશ્યો રજૂ કરાયા.

  • પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સે ભાગ લીધો

એકતા પરેડનું આયોજન પ્રજાસત્તાક દિવસની જેમ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સે ભાગ લીધો,

જેમાં BSF, CISF, CRPF, ITBP, SSB તેમજ વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ જોડાઈ હતી. ગુજરાત પોલીસ અને BSFના સંયુક્ત પ્રદર્શનને ખાસ વખાણ મળ્યા. આસામ પોલીસ દ્વારા બાઇક સ્ટંટ દ્વારા વીરતાનું પ્રદર્શન કરવામાં આવ્યું, જે દર્શકો માટે મુખ્ય આકર્ષણ બન્યું હતું.

  • નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ

પરેડમાં મહિલાઓની ભાગીદારી ખાસ ઉલ્લેખનીય રહી. BSF અને ગુજરાત પોલીસની મહિલા ટીમોએ રાયફલ ડ્રિલ અને બેન્ડ પ્રદર્શન કરીને નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ, CRPF અને BSFના પદક વિજેતા જવાનો ખુલ્લી જીપ્સીમાં ઉપસ્થિત રહ્યા,

જેઓએ રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક રૂપે દેશના શૂરવીરોનું સ્મરણ કરાવ્યું. ગુજરાતની બે શાળાઓ દ્વારા “વંદે માતરમ”ની ધૂન પર સંગીતમય પ્રદર્શન આપવામાં આવ્યું. ઢોલ, નગારા અને કરતાલ જેવા પરંપરાગત વાંજિત્રોના સૂરોથી એકતા નગર ગૂંજી ઉઠ્યું હતું. આ પ્રદર્શનને વડાપ્રધાન મોદીએ “યંગ ઈન્ડિયાની શક્તિ અને પરંપરાનો સંગમ” ગણાવ્યો હતો.

  • શૌર્યના નવા સંકલ્પ માટે પ્રેરિત કરે છે

વડાપ્રધાન મોદીએ પરેડનું નિરીક્ષણ કર્યા બાદ રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું કે, “એકતા નગર માત્ર પ્રવાસન સ્થળ નથી, એ ભારતની આત્માનો પ્રતિબિંબ છે. અહીંની દરેક ઇંટ સરદાર પટેલના વિચારોને પ્રતિબિંબિત કરે છે.” તેમણે ઉમેર્યું કે આજનો દિવસ રાષ્ટ્રને એકતા અને શૌર્યના નવા સંકલ્પ માટે પ્રેરિત કરે છે.

પછી વડાપ્રધાન મોદીએ “આરંભ 7.0”ના સમાપન સમારોહમાં ભાગ લીધો, જેનું થીમ “શાસનની પુનઃકલ્પના” હતું. આ કાર્યક્રમમાં ભારતની 16 અને ભૂટાનની 3 સિવિલ સર્વિસીસના કુલ 660 તાલીમાર્થી અધિકારીઓ ઉપસ્થિત રહશે. વડાપ્રધાન મોદીએ યુવા અધિકારીઓ સાથે સીધો સંવાદ કરશે, શાસનમાં નવીનતા, ટેકનોલોજી અને નાગરિક કેન્દ્રિત નીતિઓની મહત્વતા પર ભાર મૂકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button