ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટરની છેડતી, પોલીસે આરોપીની ધરપકડ કરી

મહિલા વર્લ્ડ કપ 2025 ભારત અને શ્રીલંકામાં રમાઈ રહ્યો છે. બીજી તરફ આજે મધ્યપ્રદેશમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો રમાવાનો છે. ત્યારે આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરો સાથે રોડ પર બાઇક સવાર એક યુવકે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને ઈન્દોરના આઝાદ નગર નિવાસી અકીલની ધરપકડ કરી લીધી છે.
- શું છે આખો મામલો?
આ ઘટના ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે ખજરાના રોડ પર બની હતી. ઓસ્ટ્રેલિયાની બંને મહિલા ક્રિકેટર હોટલથી પગપાળા એક કેફે તરફ જઈ રહી હતી. એ સમયે સફેદ શર્ટ અને કાળી કેપ પહેરેલો બાઇક સવાર તેમનો પીછો કરવા લાગ્યો. તેણે ઝડપથી આવીને એક મહિલા ક્રિકેટરને ખોટી રીતે સ્પર્શ કર્યો.
આ ઘટનાથી બંને ખેલાડીઓ ડરી ગઈ અને તેમણે તરત જ ઓસ્ટ્રેલિયન ટીમના સિક્યુરિટી મેનેજર ડેની સિમન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બન્યા બાદ રોડ પર હાજર એક વ્યક્તિએ તેની બાઇકનો નંબર નોંધી લીધો હતો, જ્યારે એક કાર સવારે આ અંગેની સૂચના પોલીસને આપી હતી.
- ઓસ્ટ્રેલિયન સિક્યુરિટી મેનેજરે ફરિયાદ નોંધાવી
આ મામલામાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના સિક્યુરિટી મેનેજર ડેની સિમન્સે ગુરુવારની સાંજે જ એમઆઈજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તુરંત કાર્યવાહી કરી અને અકીલની ધરપકડ કરી હતી. રોડ પરના સીસીટીવી ફૂટેજના આધારે આ ફરિયાદની તપાસ કરવામાં આવી અને આરોપીને છેડછાડ કરવા ખોટી રીતે સ્પર્શ કરવા અને પીછો કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
- હોટલથી મેદાન સુધીના રૂટ પર સુરક્ષા વધારાઈ
આ ઘટના પછી ખેલાડીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હોટલથી મેદાન સુધી આવવા-જવાના રૂટ પર વધારાનો પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર સંતોષ સિંહે આ મામલામાં નારાજગી વ્યક્ત કરતાં ઇન્ટેલિજન્સ વિંગને ઠપકો પણ આપ્યો છે.



