Pomegranate Health Risks: દાડમને સામાન્ય રીતે ખૂબ જ સ્વસ્થ ફળ માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને હૃદય માટે લાભદાયક પોષક તત્વો હોય છે. તેથી જ વડીલો દાડમ ખાવાની સલાહ આપે છે. પરંતુ દરેક સ્વસ્થ વસ્તુ દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય જ એવું જરૂરી નથી. કેટલાક લોકો માટે દાડમ ખાવું ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જેમની સર્જરી થવાની હોય
જો તમારી કોઈ સર્જરી થવાની હોય, તો દાડમ ખાવામાં ખાસ સાવધાની રાખવી જોઈએ. ડૉક્ટરો મુજબ, દાડમ કેટલીક દવાઓ અને એનેસ્થેસિયા સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને લોહી જામવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે. આ કારણે ઓપરેશન દરમિયાન વધારે બ્લીડિંગ થવાનો જોખમ વધી શકે છે. તેથી સર્જરીથી ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલાં દાડમ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
જે લોકો દવાઓ લેતા હોય
જો તમે બ્લડ પ્રેશર, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ કે લોહી પાતળું કરવાની દવાઓ લો છો, તો દાડમ ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. દાડમ લિવરના એન્ઝાઇમ્સ પર અસર કરે છે, જે દવાઓને તોડવાનું કામ કરે છે. પરિણામે દવાઓ શરીરમાં વધારે સમય સુધી રહે છે અને સાઇડ ઇફેક્ટ્સ વધવાની શક્યતા રહે છે.
જેમનું બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય
દાડમ ઊંચા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે, પરંતુ લો બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે તે નુકસાનકારક બની શકે છે. વધારે દાડમ ખાવાથી ચક્કર આવવા, નબળાઈ, આંખો સામે અંધારું આવવું અથવા બેભાન થવાની શક્યતા રહે છે. આવા લોકોએ દાડમ મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.
પેટ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો
દાડમમાં ફાઇબર સારી માત્રામાં હોય છે, જે સામાન્ય રીતે પાચન માટે ફાયદાકારક છે. પરંતુ જેમનું પેટ ખૂબ સંવેદનશીલ હોય અથવા IBS જેવી સમસ્યા હોય, તેમને દાડમ ખાવાથી ગેસ, પેટમાં દુખાવો કે અસ્વસ્થતા થઈ શકે છે.
દાડમથી એલર્જી ધરાવતા લોકો
કેટલાક લોકોને દાડમથી એલર્જી પણ થઈ શકે છે. દાડમ ખાધા પછી ખંજવાળ, ચામડી પર લાલાશ, હોઠ અથવા ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં તરત દાડમ ખાવું બંધ કરી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


Leave a Comment