Amreliજિલ્લાના મરચી ખેડૂતની વ્યથા : યાર્ડમાં 4 થી 6 રૂપિયાનો ભાવ, જાહેર બજારમાં 50 થી 70 – ખેડૂત પાઈમાલ

અમરેલી જિલ્લાના મરચી ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મહેનત અને ખર્ચ બાદ પણ માર્કેટિંગ યાર્ડમાં મરચાંનો યોગ્ય ભાવ ન મળતા તેઓ નિરાશ થઈ રહ્યા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, યાર્ડમાં મળતો ભાવ અને ખુલ્લા બજારનો ભાવ વચ્ચે મોટો તફાવત છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
યાર્ડમાં માત્ર ₹4 થી ₹6 નો ભાવ, બજારમાં ₹50 થી ₹70
ઇશ્વર્યા ગામના ખેડૂત લાલિતભાઈ વામજાએ જણાવ્યું કે તેમણે બે વીઘા જમીનમાં મરચીનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર થતાં તેઓ મરચાં વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં ગયા, જ્યાં તેમને પ્રતિ કિલો માત્ર ₹4 થી ₹6 નો ભાવ મળ્યો. આટલા ઓછા ભાવથી નિરાશ થયેલા લાલિતભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે જો ભવિષ્યમાં લાલ મરચાંનો પણ યોગ્ય ભાવ ન મળે તો સ્થિતિ વધુ ગંભીર બનશે. તેમણે તો લોકોને મરચાં મફતમાં લઈ જવાની પણ અપીલ કરી હતી.
મોંઘા ખર્ચ સામે નજીવી આવક
અન્ય એક ખેડૂત, મિનિષભાઈ વામજાએ જણાવ્યું કે મરચીના પાકમાં પ્રતિ વીઘા આશરે ₹35,000 નો ખર્ચ થાય છે, જેમાં મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરીનો સમાવેશ થાય છે. જોકે, હાલમાં પાકમાંથી માત્ર ₹15,000 ની આવક થઈ છે. આ રીતે, ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, કારણ કે તેમની મહેનત અને ખર્ચનું યોગ્ય વળતર મળતું નથી.