
પંજાબમાં હોશિયારપુર-ઝાલંધલર નેશનલ હાઇવે પર એક LPG ટેન્કર અને અન્ય વાહન વચ્ચે ટક્કર થતાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યાં છે. જોકે, 50થી વધુ લોકો દાઝ્યા હતા.
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે લગભગ 10:45 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. LPG ટેન્કર અન્ય એક વાહન સાથે અથડાયા પછી, ગેસ લીક થવા લાગ્યો, જેના કારણે આસપાસના ચાર-પાંચ મકાનો અને 15 થી વધુ દુકાનોમાં આગ લાગી ગઈ હતી.
ઘણાં ગ્રામજનો પણ આગમાં ફસાયા હતા. જેમાંથી ઘણાં લોકો ઘરમાં સૂતા હતા, તેથી તેમને ભાગવાનો વધુ સમય ન મળ્યો. આ ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે અને 50 થી વધુ લોકો આગમાં દાઝ્યા હતા. જોકે, હજુ સુધી કેટલા લોકો ગુમ છે, તે વિશે કોઈ નક્કર માહિતી સામે નથી આવી.
ગેસ લીક થવાના કારણે થયો વિસ્ફોટ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ટેન્કરે એક કારને ટક્કર મારી હતી, ત્યાર બાદ ગેસ લીક થવાના કારણે વિસ્ફોટ થયો અને સમગ્ર વિસ્તારમાં આગ લાગી ગઈ હતી. તેજ હવાના કારણે ગેસ ફેલાતો રહ્યો અને તેની સાથે આગ પણ વધતી રહી. ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ગમે ત્યાં ભાગી રહ્યા હતા.
5-7 લોકો ગંભીર રીતે દાઝ્યા
હાલ ઈજાગ્રસ્તોને હોશિયારપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં 5-7 લોકો એવા છે, જે ખૂબ જ ગંભીર રીતે બળી ગયા છે અને તેમને બીજી હોસ્પિટલ લઈ જવા કહેવામાં આવ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ દરમિયાન પોલીસે હોશિયારપુર-ઝાલંધર નેશનલ હાઇવે પર બેરિકેડ લગાવી દીધા છે અને વાહનોની અવર-જવર પર રોક લગાવી દીધી છે. જોકે, હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ સ્થિર નથી થઈ. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ દુર્ઘટનાના કારણ અને નુકસાનની તપાસ કરવામાં આવશે.