વડોદરાની લાડલી અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દમદાર સ્પિનર રાધા યાદવના વતન વાપસીના અવસરે આજે રાત્રે શહેરમાં ઉત્સવનું માહોલ સર્જાશે. ક્રિકેટ જગતમાં પોતાના અસાધારણ પ્રદર્શનથી દેશનું ગૌરવ વધારનાર રાધા યાદવ આજે રાત્રે 8 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે,
જ્યાં તેમના ચાહકો, ક્રિકેટપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો ભવ્ય સ્વાગત માટે ઉમટી પડશે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં શહેરની વિવિધ ક્રિકેટ એકેડમીઓ, મહિલા ક્રિકેટર અને રમતગમત સંગઠનો ઉત્સાહપૂર્વક જોડાશે.
- એરપોર્ટ સર્કલથી પ્રારંભ થશે
રાધા યાદવના આગમન બાદ વડોદરા શહેરમાં એક ભવ્ય રોડ શો યોજાશે, જે એરપોર્ટ સર્કલથી પ્રારંભ થશે. આ રોડ શો શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર પરથી પસાર થશે. રસ્તાના બંને બાજુ ચાહકો દ્વારા તેમનું સ્વાગત કરવા માટે તિરંગા અને બેનરો સાથે ઉત્સાહી વાતાવરણ રહેશે. વિવિધ સ્થળોએ મહિલા ક્રિકેટ ક્લબો અને ક્રીડા સંસ્થાઓ દ્વારા રાધા યાદવના માનમાં ફૂલહાર અને તાળીઓથી આવકાર આપવામાં આવશે.
- ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ક્ષણ સાબિત
આ ભવ્ય રોડ શોનું સમાપન કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે કરવામાં આવશે, જ્યાં રાધા યાદવના સન્માનમાં વિશાળ સમારોહ યોજાશે. ખાસ વાત એ છે કે રાધા યાદવે પોતાના ક્રિકેટ કારકિર્દીની શરૂઆત આ જ એકેડમીથી કરી હતી.
તેથી આ સ્થળે તેમની વાપસી માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ શહેરના ઉદ્ભવતા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ ક્ષણ સાબિત થશે. કાર્યક્રમમાં વડોદરાના જાણીતા ક્રિકેટ કોચ, મહિલા ખેલાડીઓ, અને રમતગમત ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.
- મહત્વપૂર્ણ મેચોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
રાધા યાદવે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે અનેક મહત્વપૂર્ણ મેચોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને તેમની સ્પિન બોલિંગે અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધીઓ સામે ભારતને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય સ્પિનર તરીકે તેમણે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે અને નવી પેઢી માટે આદર્શરૂપ બની છે.
- વડોદરાના દરેક યુવાન ક્રિકેટર માટે પ્રેરણા
વડોદરામાં રાધા યાદવના આગમનને લઈને શહેરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. અનેક શાળાઓ અને એકેડમીઓએ પોતાના વિદ્યાર્થીઓને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત કર્યા છે, જેથી તેઓ પોતાના આદર્શ ખેલાડીનું પ્રદર્શન નજીકથી જોઈ શકે. શહેરમાં બેનરો, પોસ્ટરો અને લાઇટિંગથી તહેવાર જેવો માહોલ સર્જાયો છે.


Leave a Comment