રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગના પટાંગણમાં આજે સવારે એક અત્યંત કરુણ ઘટના બની છે. પ્રેમસંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા તકરારનો અંત પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
- પત્ની યોગમાંથી પરત આવતા ફાયરિંગ કર્યું
જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને ચોટીલા આપાગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા પતિએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ એક બિલ્ડિંગના પટાંગણમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પત્ની સવારે યોગ કરીને પરત આવી રહી હતી, ત્યારે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી તેના પર ફાયરિંગ કર્યું હતું.
- પત્નીની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી
પતિએ પત્નીને ગોળી મારી દીધા બાદ પોતે પણ પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી, જેમાં બંનેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ડીસીપી ક્રાઇમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે સ્થળ પરથી ત્રણ કાર્ટીસ કબજે કર્યા છે.
- કાકી-ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમસંબંધનો ખુલાસો
પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિવાદનું મૂળ સામે આવ્યું છે. મૃતક પતિની પત્નીને તેના ભત્રીજા સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ પતિને થતાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ ઝઘડાને કારણે પત્ની ઘર છોડીને એક બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી.
- દોઢ મહિનાથી પત્નીને મનાવવાનો પ્રયાસ
પોલીસના જણાવ્યા મુજબ, પ્રેમસંબંધનો ખુલાસો થયા બાદ દોઢ મહિનાથી પતિ પત્નીને ઘરે પરત આવી જવા માટે મનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યો હતો. આમ છતાં પત્ની ઘરે પરત ન આવતા, આજે સવારે રોષે ભરાયેલા પતિએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
- પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગાંધીગ્રામ પોલીસે આ મામલે પતિ-પત્નીના મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આત્મહત્યા અને હત્યાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


Leave a Comment