Rajkot Murder: ઉપલેટા તાલુકાના રાજપરા ગામમાં એક ચોંકાવનારી તથા હૈયાદ્રાવક ઘટના બહાર આવી છે, જેમાં સગા ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા મારી હત્યા કરીને તેને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાયાવદર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં બનાવને સામાન્ય રોડ અકસ્માત તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સ્થળની પ્રાથમિક તપાસમાં અનેક શંકાસ્પદ મુદ્દાઓ સામે આવતા આખું કાવતરું બહાર આવ્યું હતું.
- મૃત્યુ થયાની જાણ પોલીસને મળી
તપાસ મુજબ, 9 ડિસેમ્બરના રોજ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા માર્ગ પર કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉંમર 50)નું મૃત્યુ થયાની જાણ પોલીસને મળી હતી. ઘટનાસ્થળે મૃતકની લાશ અને તેની બાઈક વાડીએ પડેલી મળી હતી, સાથે સગો ભત્રીજો વિરમ ભૂપતભાઈ જોગ પણ હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું કે કાકાને અકસ્માત થતા તે તેમને વાડીએ લાવ્યો હતો. જોકે, સ્થળના નિરીક્ષણ દરમ્યાન કોઈ વાહન અકસ્માત જેવા નિશાન ન મળતા પોલીસે શંકા વ્યક્ત કરી અને વિગતવાર તપાસ શરૂ કરી.
- હત્યાનું સુત્રધાર કોઈ ત્રીજો વ્યક્તિ નહિ
PI પરમારની આગેવાની હેઠળ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખુલ્યું કે કાનાભાઈની હત્યા અકસ્માતમા છુપાવવા માટે પૂર્વનિયોજિત કાવતરું રચાયું હતું. સૌથી ચોંકાવનારી વિગતો એ હતી કે આ હત્યાનું સુત્રધાર કોઈ ત્રીજો વ્યક્તિ નહિ, પરંતુ મૃતકનો જ સગો દીકરો રામદે કાનાભાઈ જોગ હતો, જેણે ભત્રીજા વિરમ સાથે મળી કાવતરું રચ્યું હતું.
- લાલચ આપી હત્યા કરવા રાજી કર્યો
તપાસમાં બહાર આવ્યું કે રામદેને ઇઝરાયેલમાં નોકરી માટે જવાનું હતું, જેમાં લગભગ 16 લાખ રૂપિયાનો ખર્ચ થવો હતો. પૈસા મેળવવા માટે તેણે વિચાર્યું કે તેના પિતાએ લીધેલી વીમા પોલિસીમાંથી મળનારા 60થી 70 લાખ રૂપિયાનો લાભ લેવામાં આવે. વીમાનો પ્રિમિયમ ચૂકવવાનો સમય નજીક આવતા રામદેએ મોટા બાપુના દીકરા વિરમને એક લાખ રૂપિયા તથા ભવિષ્યમાં જીવનભર ભોજન-ખર્ચની લાલચ આપી હત્યા કરવા રાજી કર્યો હતો. વિરમ અગાઉ છુટાછેડા લઈને એકલો જ રહેતો હોવાને કારણે તે આ પ્રલોભનમાં આવી ગયો હતો.
- માથામાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા
8 ડિસેમ્બરે પ્રથમ કાવતરાના ભાગરૂપે વિરમે કાનાભાઈને જંતુનાશક દવા પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. રામદેએ ઉંદર અને જીવાતને મારવાની દવા આપી તેને ઠંડા પીણામાં મિક્સ કરીને આપવાનું પ્લાન ઘડ્યો હતો, પરંતુ કાનાભાઈને ઉલ્ટી થતા તેઓ બચી ગયા હતા. દાવ નિષ્ફળ જતા બંનેએ વધુ ઘાતકી યોજના બનાવી. ત્યારબાદ 9 ડિસેમ્બરે વિરમે કાનાભાઈને બાઈકમાં બેસાડી વાડીએ લઈ ગયો હતો. ત્યાં દારૂ પીવડાવીને ઓરડામાં સુવાડી તેને કુહાડી વડે માથામાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ રામદેના સૂચન મુજબ સમગ્ર બનાવને અકસ્માત તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. આ પ્રકરણ લોકલ વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.


Leave a Comment