Rajkot News: દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે લોક દરબાર દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.
આ રીતે કર્યો હુમલો હતો
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો.
મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
‘મારો દીકરો કૂતરાના સમાચાર વાંચી દિલ્હી ગયો હતો’
રાજેશની માતા ભાનુબેને જણાવ્યું કે, રાજેશ પશુ પ્રેમી હતો. દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગે સમાચાર સાંભળી ગત રવિવારે ઉજૈન જવાનું કહી ઘરેથી નીકળો હતો. ગઈકાલે પરિવારે ફોન કરતા હું દિલ્લી આવ્યો છું કુતરા માટે કહી ફોન કટ કરી દીધો હતો. મારો દીકરો કૂતરા પ્રેમી છે,
ગાય અને ચકલાઓ પ્રત્યે પણ પ્રેમ છે. તે પશુ-પક્ષીઓની સેવાનું જ કામ કરે છે. ઘરમાં રોટલા પડ્યા હોય તો કૂતરા માટે લઈ જાય. મેં ફોન કર્યો તો કહ્યું કે, હું દિલ્હી ગયો છું એટલે મેં કહ્યું કે તું ઉજ્જૈન ગયો હતો’ને તો તેણે કહ્યું કે, હું કૂતરા માટે દિલ્હી ગયો છું. દીકરો પરિણીત છે અને સંતાનમાં એક દીકરો છે.
કૂતરાને રોજ દૂધ અને રોટલા ખવડાવે છે – પાડોશી
રાજેશ સાકરિયાની પાડોશમાં રહેતા રાજેશ પટેલે જણાવ્યું હતું કે, તે પશુપ્રેમી માણસ છે. તે બીજી કોઈ માથાકૂટ કરતા નથી. પશુપ્રેમના કારણે આ બન્યું હોય શકે. તે રોજ કૂતરાને દૂધ અને રોટલા ખવરાવે છે.
કોંગ્રેસ-આપના નેતાએ હુમલાની ટીકા કરી
આ મામલે રાજકીય પ્રતિક્રિયા પણ તેજ થઈ છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જો દિલ્હીના મુખ્યમંત્રી જ સુરક્ષિત નહીં હોય તો સામાન્ય નાગરિક કે મહિલાની સુરક્ષા કેવી રીતે સુરક્ષિત રહેશે.
પૂર્વ મુખ્યમત્રી અને આપના ધારાસભ્ય આતિશીએ આ હુમલાની ટીકા કરતા કહ્યું કે લોકશાહીમાં અસહમતિ અને વિરોધનું સ્થાન છે પંરતુ હિંસાને કોઈ સ્થાન નથી. પોલીસ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.