Randesan accident case: રાંદેસણ અકસ્માત કેસમાં મોટો ઘટસ્ફોટ, આરોપીએ 30ની સ્પીડ લિમિટ વાળા રોડ પર 83ની સ્પીડે કાર હંકારી હતી

ગાંધીનગર રાંદેસણ પાસે થયેલા ગમખ્વાર અકસ્માત અંગે એક મોટો ખુલાસો થયો છે. હવે આ મામલે એફએસએલની તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી હિતેશ પટેલે 30 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટવાળા રોડ પર 83 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી હતી.
સર્વિસ રોડ ઉપર 30ની સ્પીડ નક્કી કરાઈ હતી
આ અંગે ડીવાયએસપી ડી.ટી.ગોહિલે જણાવ્યું કે, એફએસએલના રિપોર્ટમાં હિતેશની કારની સ્પીડ 83 કિમી પ્રતિ કલાકની હોવાનું સામે આવ્યું છે. રાંદેસણના સર્વિસ રોડ ઉપર 30ની સ્પીડ નક્કી કરવામાં આવી છે છતાં હિતેશે 83ની સ્પીડથી કાર હંકારી હતી.
શહેરના સર્વિસ રોડ પરની ચોક્કસ સ્પીડની મિનિમમ અને મેક્સિમમ મર્યાદા જાણવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને વિગતો મંગાવવામાં આવી છે. જેના આધારે સર્વિસ રોડ ઉપર પણ ઓવર સ્પીડિંગના મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
જો કોઈ વસાહતીઓ દ્વારા તેઓના વિસ્તારના સર્વિસ રોડ ઉપર સ્પીડિંગની રજૂઆત કરવામાં આવશે તો પિક અવર્સમાં ડ્રાઈવ પણ યોજવામાં આવશે.
CCTV ફૂટેજનો ડેટાબેઝ તૈયાર કરી FSLની મદદ લીધી
આ અકસ્માતના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા. જેના પગલે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી ડી.ટી.ગોહિલની આગેવાનીમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. એસઆઇટીની ટીમે સીસીટીવી ફૂટેજનો ડેટાબેઝ તૈયાર કરી FSLની મદદ લીધી હતી.