હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી, રાજસ્થાનમાં 16 જિલ્લામાં સ્કૂલો બંધ

કેદારનાથ યાત્રા પણ ભૂસ્ખલનના કારણે ત્રીજા દિવસે પણ શરૂ થઈ શકી નથી. હિમાચલમાં ફરી ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાથી સ્થિતિ વધુ બગડી છે. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે 16 જિલ્લાની શાળાઓ બંધ કરવામાં આવી છે.
લાહૌલ ખીણમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના નોંધાઈ છે. શુક્રવારની સવારે લાહૌલની ટીંડી પાસે પુહરે નાલામાં પૂર આવ્યો હતો જેમાં એક વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું. ઉદયપુર-કિલાડ રોડ પણ બંધ થયો હતો,
જેને પછીમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યો. બીજી ઘટના યાંગલા ખીણમાં બની હતી, જ્યાં લોકો હાલત વણસતા સાવચેતીથી બચી ગયા. ત્રીજી ઘટના લાહૌલના જીસ્પાહ વિસ્તારમાં નોંધાઈ હતી.
કાંગડા જિલ્લામાં ભારે વરસાદના કારણે બે મકાનો અને સાત પશુઓના વાડા તૂટી પડ્યા હતા. હરિપુર તાલુકાના ગુલેર ગામમાં ટેકરી પરથી પડતાં 76 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું. ચંબાના બાજોલી-હોલી અને ગ્રીનકો બુધિલ જળ વિદ્યુત પ્રોજેક્ટને હાલત જોખમી હોવાથી અણિર્ધારિત સમય માટે બંધ કરાયા છે.
મંડી નજીક કૈંચીમોદ અને બિલાસપુરના સમલેટુમાં ભૂસ્ખલનથી કીતરપુર-મનાલી ફોરલેન રસ્તો લગભગ નવ કલાક માટે બંધ રહ્યો. બંને તરફ વાહનો ફસાઈ જતા ટ્રાફિકમાં ભારે ખલેલ આવી હતી. ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા હજુ ત્રણ દિવસ સુધી રોકી રાખવામાં આવશે.