રિષભ પંત પાંચમી ટેસ્ટમાંથી આઉટ, આ ઘાતક ખેલાડીની થઈ એન્ટ્રી

બીસીસીઆઈએ જણાવ્યું કે રિષભ પંતને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં જમણા પગમાં વાગતા ફ્રેક્ચર થયુ હતું. પરિણામે સીરીઝની અંતિમ ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સારવાર પર નજર રાખી રહી છે, ટીમ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહી છે. જ્યારે પંતના સ્થાને નારાયણ જગદીશને પાંચમી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પંત ઘાયલ છતાં બેટિંગ કરવા ઊતર્યો હતો
માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે 68મી ઓવરમાં ભારતના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઘાયલ થયો હતો. પંત પીડાથી કણસતો જોવા મળ્યો. ફિઝિયો ટીમ તેને તપાસવા માટે મેદાનમાં આવી. પંતનો દુખાવો ઓછો થયો નહીં, જ્યારે તેણે જૂતા કાઢ્યા ત્યારે તેના પગમાં સોજો જોવા મળ્યો.
ત્યાર બાદ તેને સ્ટ્રેચર વાનમાં બહાર લઈ જવાયો હતો. તે 37 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો. જોકે, બીજા દિવસે ઘાયલ હોવા છતાં પંત બેટિંગ કરવા ઊતર્યો હતો. પરિણામે ક્રિકેટ દર્શકોએ સ્ડેન્ડિંગ ઓવેશન આપ્યો હતો. પંત ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો.
પાંચમી ટેસ્ટ 31 જુલાઈથી શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ સિરીઝમાં યજમાન ટીમ હાલ 2-1થી આગળ છે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 31 જુલાઈના રોજ લંડનના ઓવલ મેદાનમાં રમાશે.