ભારત તરફ આવી રહેલા Russian oil ટેન્કરે સમુદ્રમાં રસ્તો બદલ્યો

ભારત તરફ જઈ રહેલા રશિયન ક્રૂડ ઓઇલના એક ટેન્કરે અચાનક યુ-ટર્ન લીધો અને બાલ્ટિક સમુદ્રમાં રોકાઈ ગયો. અમેરિકા દ્વારા રશિયા પર નવા, કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ આ પગલું બંને દેશો વચ્ચેના તેલ વેપારમાં વિક્ષેપનો સંકેત માનવામાં આવે છે.
આનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે શું ભારત રશિયા પાસેથી સસ્તા ક્રૂડ તેલની આયાત બંધ કરશે અને શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે?
- શું છે ઘટના?
ફુરિયા નામનું ટેન્કર મંગળવારે ડેનમાર્ક અને જર્મની વચ્ચેના દરિયાઈ માર્ગે પશ્ચિમ તરફ મુસાફરી કરી રહ્યું હતું. જહાજની ગતિ પણ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ. ટેન્કર રશિયાની સરકારી તેલ કંપની રોઝનેફ્ટ દ્વારા વેચવામાં આવતું તેલ લઈ જઈ રહ્યું હતું.
અમેરિકાએ એક અઠવાડિયા પહેલા રોઝનેફ્ટ અને બીજી રશિયન કંપની લુકોઇલ પર કડક પ્રતિબંધો લાદ્યા બાદ આ યુ-ટર્ન આવ્યો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, “આ કંપનીઓ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો 21 નવેમ્બર સુધીમાં સમાપ્ત કરવામાં આવશે.”
- ભારત પર શું અસર પડી શકે છે?
રશિયાની રોઝનેફ્ટ અને લુકોઇલ તેલ કંપનીઓ પહેલા ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ વેચતી હતી. હવે, તેમના પર લાદવામાં આવેલા યુએસ પ્રતિબંધોને કારણે, ભારતીય રિફાઇનરીઓને સસ્તું તેલ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ભારતીય તેલ કંપનીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “રશિયામાંથી તેલનો પુરવઠો હવે નોંધપાત્ર રીતે ઘટવાની ધારણા છે.”



