હિન્દી સિનેમાની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં સામેલ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ફરી ચર્ચામાં આવી છે. ફિલ્મનું પહેલું ટીઝર સલમાન ખાનના જન્મદિવસે રિલીઝ થયું હતું અને શરૂઆતમાં તેની રિલીઝ ઈદ આસપાસ થવાની ચર્ચા હતી. હાલમાં એવા અહેવાલો સામે આવ્યા છે કે ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ શકે છે.
માહિતી મુજબ ‘બેટલ ઓફ ગલવાન’ 17 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની યોજના છે. પરંતુ રિલીઝ મુલતવી રાખવામાં આવી હોવાની અફવાઓ પર દિગ્દર્શક અપૂર્વ લાખિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમને આવા કોઈ સત્તાવાર ફેરફાર વિશે જાણ નથી. તેમના નિવેદનથી હાલ માટે રિલીઝ તારીખ યથાવત હોવાનો સંકેત મળે છે.
ફિલ્મ હાલ પોસ્ટ-પ્રોડક્શન અને અંતિમ તૈયારીઓના તબક્કામાં હોવાનું કહેવાય છે. રિલીઝ પહેલાં તેને સંરક્ષણ મંત્રાલયને બતાવવાની પ્રક્રિયા પણ થવાની છે, તેથી મેકર્સ ફિલ્મ અંગે ઉતાવળ કરવા માંગતા નથી.
બીજી તરફ, એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ફિલ્મ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે રિલીઝ થઈ શકે. જોકે, સલમાન ખાનના નજીકના મિત્ર આમિર ખાન અને સની દેઓલની ‘લાહોર 1947’ સાથે સીધી ટક્કર થવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ‘બેટલ ઓફ ગલવાન’ 2020માં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની દળો વચ્ચે થયેલી હિંસક અથડામણ પર આધારિત છે. ફિલ્મમાં સલમાન ખાન ભારતીય સેનાના મરણોત્તર પરમવીર ચક્ર વિજેતા કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકામાં જોવા મળશે. હવે ફિલ્મની અંતિમ રિલીઝ તારીખ અંગે સત્તાવાર જાહેરાત માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે.


Leave a Comment