Nora Fatehi Sanjay Dutt : રાષ્ટ્રીય મહિલા આયોગે રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ ગંભીર પગલું ભર્યું છે. આ મામલે આયોગે અભિનેત્રી નોરા ફતેહી, અભિનેતા સંજય દત્ત, ગીતકાર રકીબ આલમ, નિર્માતા વેંકટ કે. નારાયણ (કેવીએન ગ્રુપ) અને નિર્દેશક કિરણ કુમાર ને નોટિસ ફટકારી છે.
આ તમામ વ્યક્તિઓને 24 માર્ચ, મંગળવારના રોજ બપોરે 12:30 વાગ્યે જરૂરી દસ્તાવેજો સાથે આયોગ સમક્ષ રૂબરૂ હાજર થવા જણાવાયું છે. આયોગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેઓ હાજર નહીં થાય તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
NCWએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મામલે સત્તાવાર જાણકારી આપી છે. આયોગના મતે, ગીત ‘સરકે ચુનાર’ પ્રથમ દ્રષ્ટિએ અત્યંત જાતીય રીતે ઉત્તેજક અને અશ્લીલ જણાય છે.
આ સામગ્રી ભારતીય દંડ સંહિતા (IPC), માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act) અને ખાસ કરીને પોક્સો (POCSO) કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાય છે. આ પ્રકારનું ચિત્રણ સામાજિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરતું હોવાથી કમિશને તેને અત્યંત ગંભીરતાથી લીધું છે.
માત્ર મહિલા આયોગ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. NHRCએ આ ગીતના પ્રસારણ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC), માહિતી અને પ્રસારણ મંત્રાલય, આઈટી મંત્રાલય અને ગૂગલ ઇન્ડિયા (YouTube ના પ્લેટફોર્મ માટે) ને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. માનવ અધિકાર આયોગે સામગ્રીની ગુણવત્તા અને તેનાથી સમાજ પર પડતી અસર અંગે સ્પષ્ટતા માંગી છે.


Leave a Comment