- સાયલા તાલુકામાં તહેવારો ટાણે જ તસ્કરોની રંજાડથી પ્રજામાં ફફડાટ
- તસ્કરીની જાણ થતા પરિવાર સહિતના લોકો એકઠા થવા પામ્યા હતા
- રોકડા રૂ. 1.25 લાખ તેમજ દાગીના સહિત રૂ.1.86 લાખની ચોરીને અંજામ આપી નિશાચરો ફરાર
સાયલા તાલુકામાં તસ્કરો બેફમ બન્યા હોય તેમ થોડા દિવસ પહેલા ગઢ શીરવાણિયા ગામે ચોરીની ઘટના બનવા.
બાદ બુધવારે સવારના સમયે નોલી ગામના રામગઢ પરામાં આવેલ એક મકાનમાં ત્રાટકેલા ચોરોએ ઘરમાં રાખેલા રોકડા રૂપિયા, દાગીના સહિત પોણા બે લાખથી વધુની તસ્કરી કર્યાની ઘટના ઉજાગર થઈ છે.
દેવાભાઇ હરજીભાઇ ધોરિયાનો પરીવાર સવારે વાડીએ ગયા બાદ મકાનના તાળા તોડી દિવસે ચોરી કરી તસ્કરો હવામાં ઓગળી ગયા હતા. તસ્કરીની જાણ થતા પરિવાર સહિતના લોકો એકઠા થવા પામ્યા હતા. બુધવારે નોલી ખાતે એસપીની મુલાકાત પહેલાં જ ચોરીની મોટી ઘટના બનતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. રામગઢમાં તસ્કરોએ કરેલ ચોરીમાં ભોગ બનનાર પરિવારની કબાટમાં રાખેલ સવા લાખ રૂપિયા રોકડા, ઘરેણાં ઉઠાવી જવામાં તસ્કરોએ સફ્ળ થઇ પોલીસને પડકાર ફેંક્યો છે ત્યારે આ ઘટનામાં કોઇ જાણભેદુ છે કે અન્ય તસ્કર ટોળકીએ કારસ્તાન કર્યું છે. તે બાબત હજુ અનુત્તર છે. ગઢ શીરવાણિયા ગામે પણ 18 દિવસ પહેલા ધોળા દિવસે ખેડૂત પરિવારના મકાનને નિશાન બનાવી નિશાચરોએ ચોરીની મોટી ઘટના ને અંજામ આપ્યો હતો જે બનાવમાં હાલ સુધી પોલીસ ને આરોપી ની કોઇ કડી મળી નથી ત્યાં બીજી મોટી ચોરીની ઘટના ઉજાગર થતા ધજાળા પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તસ્કરો રામગઢના દેવાભાઇ હરજીભાઇના મકાનના તાળા તોડી કબાટમાં રાખેલ સવા લાખ રૂપિયા સાથે ચાર સોનાની બુટ્ટી, છડા, ઝાંઝરી, ચાંદીની બંગડી, કડલીયું સહિત 1.86 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. વીસ દિવસમાં દિવસે ઘરફેડની બે ઘટનાથી પંથકમાં તસ્કર ટોળકીનો આતંક છવાયો છે ત્યારે પોલીસે રાબેતા મુજબ ડોગ સ્કવોડ, એફ્એસએલને જાણ કરી તપાસ હાથ ધરી હતી.
Source link