સાયલા તાલુકામાં આવેલા છેવાડાના અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો ગેરકાયદે દેશી તેમજ વિદેશી દારૂનો વેપલો ચલાવતા બૂટલેગરો માટે આશીર્વાદરૂપ હોઇ તેમ મોટા પાયે આ દુષણ ચાલી રહ્યું છે. સાયલા પોલીસની ટીમ દ્વારા કંસાળા ગામના પાદરમાં જ ચાલી રહેલા ગેરકાયદે દેશી ઉત્પાદન કેન્દ્ર પર દરોડામાં 2400 લીટર જેટલો દારૂ બનાવવા માટે નો આથો ઝડપાઇ જવા પામ્યો હતો. જ્યારે ભઠ્ઠી પરનો આરોપી અગાઉથી પોલીસની ગંધ પારખી જતાં તંત્રને હાથ લાગ્યો ન હતો.
સાયલા પોલીસની ટીમના અમરભા ગઢવી, સુરેશભાઇ ખરગીયા, રણજીતભાઇ જળું સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા કંસાળા ગામના પાદરમાં આવેલ એક વાડી પાસે દરોડો કરતા ધોળા દિવસે ધમધમતી દેશી દારૂની મીની ફેક્ટરી મળી આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા દરોડા સમયે અગાઉ થી છૂમંતર થઇ ગયેલો અને ભઠ્ઠી સંચાલક કંસાળા ગામનો વનરાજ ધનાભાઇ નામનો બુટલેગર આ કારસ્તાન ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ દ્વારા દરોડા સ્થળેથી બાવળની કાંટની આડમાં રાખેલા 12 જેટલા બેરલમાં જોતા તેમાં દેશી દારૂ બનાવવા માટેનો 2400 લીટર જેટલો આથો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા આ બાબતે બુટલેગર વનરાજ વિરૂદ્ધ ગુનો નોંધવા સાથે ઝડપાયેલ આથો કિંમત રૂ. 60,000નો નિયમાનુસાર નાશ કરી ફ્રાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ નું દારૂ ભરેલી કાર નો પીછો કરતા અકસ્માતમાં મૃત્યુ થતા જિલ્લા ભરમાં પોલીસ દ્વારા બૂટલેગરો વિરૂદ્ધ કાર્યવાહીનો દોર ચાલતા દેશીના બૂટલેગરોને તડાકો પડી ગયો હોઇ તેમ ઠેકઠેકાણે ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે. ત્યારે અનેક પરિવારોને બરબાદ કરી રહેલ આ દુષણ વિરૂદ્ધ પોલીસ તંત્ર લાલ આંખ કરે તે પણ જરૂરી બન્યું છે.
Source link